નેશનલ

ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકનાર વકીલ સનાતન ધર્મને ખાતર જેલમાં જવા તૈયાર

નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ભૂષણ આર. ગવઈ પર સુપ્રીમ કોર્ટમાં જૂતુ ફેંકનાર 72 વર્ષીય વકીલ રાકેશ કિશોરે જણાવ્યું છે કે તેમના પરિવારે પણ તેમના આ કૃત્યની ઘોર ટીકા કરી છે, પરંતું તેમને કોઈ રંજ કે અફસોસ નથી.

કિશોરે જણાવ્યું હતું કે મારે કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી અને સનાતન ધર્મ માટે હું જેલમા જવા પણ તૈયાર છું. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું જેલમાં જ રહું તે સારું છે કારણ કે મારો પરિવાર મારાથી ખૂબ નારાજ છે, તેઓ મને સમજી શકતા નથી.

દૈવીય શક્તિઓના દાવા કરે છે વકીલ

જોકે કિશોરે અમુક વિચિત્ર દાવાઓ પણ કર્યા હતા અને તેઓ કોઈ દૈવીય શક્તિઓની અસર હેઠળ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. ખજૂરાહોમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિને પુનઃસ્થાપિત કરવાની અરજીને સાંભળવાની સીજેઆઈની બેન્ચે મનાઈ કરતા તેમણે આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. આ જજમેન્ટ બાદ હું રાત્રે ઊંઘી નથી શકતો અને કોઈ મને સતત પૂછે છે કે તું ચુપ કેમ બેઠો છે, તેવા દાવાઓ પણ તેમણે કર્યા હતા.

કિશોરે દાવો કર્યો છે કે તેણે બનારસ હિન્દુ યુનિવર્સિટી મેડિકલ એન્ટોમોલોજી વિષયમાં પીએચડી કરેલું છે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તે માનસિક રીતે એકદમ ફીટ છે અને તેને કોઈ તકલીફ નથી.

કિશોર વકીલાત બહુ ઓછી કરતા હોવાની વાત પણ બહાર આવી છે. 2011થી તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના ટેમ્પરરી મેમ્બર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ જવલ્લે જ કોર્ટમા કોઈ કેસ લડતા જોવા મળ્યા છે. પરમેનન્ટ મેમ્બર બનવા માટે બે વર્ષમાં 20 કેસ લડવા પડે, પરંતુ 15 વર્ષમાં કિશોર આમ કરી શક્યા નથી.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button