દેશની સરકારો ‘આરોપીઓ’ ચલાવી રહ્યા છે! આટલા પ્રધાનો પર હત્યા-અપહરણ જેવા ગંભીર કેસ

નવી દિલ્હી: તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદના ચોમાસું સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે ગંભીર ફોજદારી આરોપોમાં ધરપકડ થયા પછી 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેતા વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને પ્રધાનોને પદ પરથી હટાવવા માટે બીલ રાજુ કર્યું હતું, વિપક્ષે આ બિલ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જો આ બિલ પસાર થાય અને કાયદાઓ બને તો સંખ્યાબંધ પ્રધાનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ દેશના લગભગ 47 ટકા પ્રધાનો સામે ફોજદારી કેસ (Criminal cases against Miniters) નોંધાયેલા છે.
ચૂંટણી દરમિયાન ભરવામાં આવેલા ઉમેદવારી પત્રોનું વિશ્લેષણ કરીને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારના 47 ટકા પ્રધાનો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં કેટલાક સામે હત્યા, અપહરણ અને મહિલાઓ સામે હિંસા/જાતીય શોષણ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.
ADR એ 27 રાજ્ય વિધાનસભાઓ, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પ્રધાન પરિષદના કુલ 643 પ્રધાનોને ચૂંટણી દરમિયાન આપેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું. જેમાં જાણવા મળ્યું કે 302 પ્રધાનો, એટલે કે કુલ 47 ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 174 સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.
કેન્દ્રીય પ્રધાન મંડળના 72 પ્રધાનોમાંથી 29 (40 ટકા) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
ભાજપ અને કોંગ્રેસના પ્રધાનો સામે ફોજદારી કેસ:
અહેવાલ મુજબ, ભાજપના 336 પ્રધાનમાંથી 136 (40 ટકા) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 88 (26 ટકા) સામે ગંભીર આરોપો છે. કોંગ્રેસ હાલ ચાર રાજ્યો સત્તા પર છે, આ રાજ્યોમાં પાર્ટીના 45 (74 ટકા) પ્રધાનો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 18 (30 ટકા) સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
આ પક્ષના સૌથી વધુ પ્રધાનો સામે ફોજદારી કેસ:
તમિલનાડુમાં સત્તાધારી પક્ષ DMKના 31 પ્રધાનોમાંથી 27 (લગભગ 87 ટકા) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 14 (45 ટકા) સામે ગંભીર કેસ નોંધાયેલા છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના 40 માંથી 13 પ્રધાનો(33 ટકા) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે પક્ષના 8 (20 ટકા) પ્રધાનો સામે ગંભીર આરોપો નોંધવામાં આવ્યા છે.
ટકાવારી પ્રમાણે આંધ્ર પ્રદેશમાં સત્તાધારી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સૌથી વધુ પ્રધાનો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. TDPના 23 પ્રધાનોથી 22 (96 ટકા) પર ફોજદારી કેસ નોંધાયેલા છે અને 13 (57 ટકા) પર ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.
પંજાબમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી(AAP) 16 પ્રધાનોમાંથી 11 (69 ટકા) પર ફોજદારી કેસ છે અને 5 (31 ટકા) પ્રધાન સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.
આ રાજ્યોના એક પણ પ્રધાન સામે ફોજદારી કેસ નહીં:
આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરી સરકારના 60 ટકાથી વધુ પ્રધાનો પર ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સરકારોના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલા નથી.
આપણ વાંચો: ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી માંદગી બાદ આજે નિધન, પાર્ટીમાં શોકનો માહોલ