આદિત્ય L-1ના બીજા ઇન્સ્ટ્રુમેન્ટે પણ કામ શરુ કર્યું, ઈસરોએ આપી વધુ એક ખુશખબર
બેંગલુરુ: ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ મિશને સોલર વિન્ડનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે. ઈસરોએ આપેલી જાણકારી મુજબ આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) પેલોડમાં એક ડિવાઈસે તેનું કામ શરૂ કરી દીધું છે. ઈસરોએ એક હિસ્ટોગ્રામ શેર કરીને આ જાણકારી આપી છે.
ISRO એ તેનું સૌર મિશન આદિત્ય L1 ગત 2જી સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું હતું. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરનાર ભારતની પ્રથમ ઇન સ્પેસ લેબોરેટરી છે. તે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત લેગ્રાંજિયન પોઈન્ટ ‘L1’ પર સ્થાપિત થઇને સૂર્યનો અભ્યાસ કરશે.
ઈસરોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આદિત્ય સોલર વિન્ડ પાર્ટીકલ્સ પ્રયોગ માટે બે અત્યાધુનિક સાધનો સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર(SWIS) અને સુપરથર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS)નો સમાવેશ થાય છે. ISROએ જણાવ્યું હતું કે જ્યારે STEPS એ 10 સપ્ટેમ્બરે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે SWIS ઇન્સ્ટ્રુમેન્ટ શનિવારે સક્રિય થયું હતું અને તેણે અપેક્ષા મુજબ કામ શરુ કર્યું છે.
ભારતે પ્રથમ વખત સોલર મિશન લોન્ચ કર્યું છે. ભારત પહેલા અન્ય દેશોએ 22 મિશન સોલર મિશન મોકલ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે. નાસાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ સોલાર મિશન મોકલ્યા છે. એકલા નાસાએ 14 સૂર્ય મિશન મોકલ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ 1994માં નાસા સાથે મળીને સૂર્ય મિશન મોકલ્યું હતું. નાસાએ 2001માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. આ મિશનનો હેતુ સૂર્યની આસપાસ ફરતી વખતે સોલર વિન્ડના નમૂના લેવાનો હતો.