ટિકિટ નહી મળવાથી નાખુશ વરૂણ ગાંધીને કૉંગ્રેસમાં જોડાવાની અધીર રંજનની ખુલ્લી ઓફર
લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ ચાલુ થઇ ગયો છે. ભાજપે યુપીના પીલીભીત ખાતેથી વરૂણ ગાંધીની ટિકિટ રદ કરી દીધી છે અને તેમને સ્થાને 2021માં ભાજપમાં જોડાયેલા જીતિનપ્રસાદને તક આપી છે.
ભાજપની યાદીમાંથી તેમનું નામ ગાયબ હોવા છતાં વરૂણ ગાંધીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ એવી ચર્ચા હતી કે જો તેમને ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેમના પ્રાઇવેટ સેક્રેટરીએ નોમિનેશન પેપરના સેટ પણ ખરીદ્યા હતા. જોકે, હવે તેમનું વલણ બદલાતુ જોવા મળી રહ્યું છે.
આપણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા વરૂણ ગાંધીના બદલાયા સૂર, સરકારની યોજનાઓની કરી ટીકા
પ. બંગાળના મુર્શિદાબાદજિલ્લાના બહેરામપુરના સાંસદ અને કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરૂણ ગાંધીને કૉંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે અને જણાવ્યું છે કે તેમને ટિકિટ પણ આપવામાં આવશે.
ભાજપે વરૂણ ગાંધીની ટિકિટ એટલા માટે કાપી છે કારણ કે તેમનું ગાંધી પરિવાર સાથે જોડાણ છે. વરૂણ ગાંધી મહાન નેતા છે. તેમણે કૉંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ.તેમના આવવાથી અમને ખુશી થશે. તેઓ એક શક્તિશાળી નેતા છે. તેમની ઇમેજ પણ સ્વચ્છ છે. એમ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું.
વરૂણ ગાંધી પોતાના જ પક્ષ સામે અવાજ ઉઠાવતા હતા અને પક્ષની નીતિઓની જાહેરમાં ટીકા કરતા હતા. જોકે, હાલમાં જ વરૂણ ગાંધીએ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું અને પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા, પરંતુ એવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી કે તેમની ટિકિટ કપાઈ શકે છે.
વરુણ ગાંધી શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. કારણ કે નોમિનેશન માટે આવતીકાલ સુધીનો જ સમય છે. પીલીભીતમાં પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે મતદાન છે. બુધવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.