
મુંબઈ: શેરબજારમાં જોવા મળી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે અદાણી ગ્રુપના શેર (Adani group Shares)માં સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં લગભગ 10 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ 3.89 ટકા વધીને રૂ. 2491 પર પહોંચી ગયો છે. અદાણી પાવર 8.63 ટકાના વધારા સાથે રૂ. 568.20 પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડીંગમાં, અદાણી પોર્ટ્સ 1.83%, અદાણી ટોટલ ગેસ લિમિટેડ 8.85%, અદાણી વિલ્મર 2.62% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પણ લગભગ 10% વધારો જોવા મળી રહ્યો છે, જે 723.45 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ દોઢ ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે રૂ. 82.89 પર ટ્રેડ થઇ રહ્યો હતો. ACCમાં 0.89 ટકા અને અંબુજા સિમેન્ટમાં 0.55 ટકાનો વધારો છે. એનડીટીવી પણ લગભગ બે ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.
મૂડીઝે ભર્યું આ પગલું:
નોંધનીય વાત એ છે કે રેટિંગ એજન્સી મૂડીઝે અદાણીની સાત કંપનીઓના ક્રેડિટ આઉટલૂકને ‘સ્ટેબલ’થી ઘટાડીને ‘નેગેટિવ’ કરી દીધા છે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને અન્યો પર કથિત લાંચના આરોપ બદલ મૂડીઝે આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત ફિચ રેટિંગ્સે અદાણી જૂથના કેટલાક બોન્ડને નેગેટીવ વોચ હેઠળ મૂક્યા છે.
Also Read – શેરબજારની ઠંડી શરૂઆત, આ સેક્ટરર્સના શેરોમાં ઉછાળો
ઉછાળાનું કારણ:
અદાણી ગ્રીને દાવો કર્યો છે કે લાંચ કેસમાં ગૌતમ અદાણી અને સાગર અદાણીના નામ FCPA આરોપોમાં નથી, જેને કારણે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો છે. ભૂતપૂર્વ એજી મુકુલ રોહતગીએ પણ કહ્યું કે અદાણી અને તેમના ભત્રીજા પર 5માંથી એક પણ આરોપ લગાવ્યો નથી. ફક્ત Azure અને CDPQ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
(નોંધ: આ માહિતીને આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં. મુંબઈ સમાચાર આ માહિતીને આધારે રોકાણની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે, રોકાણ માટે તમારા સલાહકારની સલાહ લો.)