અભિનેત્રી જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર, કોર્ટમાં હાજર કરવાની જવાબદારી પોલીસને
રામપુરઃ બૉલીવૂડની ફેમસ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને અદાલત દ્વારા ફરાર જાહેર કરવામાં આવી છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાંસદ જયા પ્રદા સામે ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર રાયપુરમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનાઓને લઈને એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે અને જયા પ્રદાને ભાગેડું જાહેર કર્યા છે એની સાથે પોલીસે તેમને શોધીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
એક અહેવાલ મુજબ આ સુનાવણીમાં જયા પ્રદા છેલ્લા અનેક સમયથી અદાલતે સૂચિત કરેલી તારીખે પર હાજર રહ્યા નહોતા. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર નહીં રહેતા અદાલતે અનેક વખત જયા પ્રદાને સમન્સ મોકલ્યા હતા.
આ મુદ્દે જયા પ્રદા તરફથી કોઈ પણ જવાબ નહીં મળતા અદાલતે તેની સામે એક વોરંટ અને તે પછી એક બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આ દરેક વોરંટ મોકલ્યા તેમ છતાં જયા પ્રદા કોર્ટ સમક્ષ હાજર રહી નહોતી.
અભિનેત્રી દ્વારા અદાલતના આદેશની અવગણના થતાં અદાલતે છેલ્લે જયા પ્રદાને ફરાર જાહેર કરી તેની સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી ડેપ્યુટી એસ. પી હેઠળ એક ટીમ બનાવી છ માર્ચ 2024 સુધી જયા પ્રદાને અદાલતમાં હાજર કરવાનો આદેશ બહાર પડ્યો હતો. વારંવાર વોરંટ જાહેર કર્યા છતાં અભિનેત્રી અદાલત સમક્ષ હાજર થઈ નહોતી અને સુનાવણીથી બચવા માટે તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો છે.
આ કેસ બાબતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જયા પ્રદાને સને 82 સીઆરપીસીની કાર્યવાહી સાથે તેને છ માર્ચ સુધી અદાલતમાં હાજર રહેવાનો આદેશ બાહર પાડવામાં આવ્યો છે. જ્યારે અદાલતના આદેશ છતાં આરોપી કોર્ટમાં હાજર ન રહે ત્યારે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે કોર્ટ દ્વારા જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવે છે. આવી કાર્યાવહીને 82 સીઆરપીસીની કહેવામાં આવે છે, એવું એક અધિકારએ કહ્યું હતું.