રામલીલા વખતે રાજા દશરથની ભૂમિકા ભજવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
નેશનલ

રામલીલા વખતે રાજા દશરથની ભૂમિકા ભજવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, જુઓ વીડિયો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ચંબામાં શ્રી રામલીલા ચાલી રહી હતી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. રામલીલા વખતે રાજા દશરથના અભિનય કરનાર કલાકાર અચાનક ઢળી પડ્યા હતા. કલાકારની ઓળખ અમરેશ મહાજન (73 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જેઓ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. જોકે, ડાયલોગ બોલતી વખતે અચાનક સિંહાસન પરથી ઢળી પડ્યા અને તેમનું નિધન થયું હતું. આ ઘટનાએ ચંબાના ઐતિહાસિક ચૌગાનમાં ચાલતી રામલીલાની પરંપરાને શોકમગ્ન કરી દીધું, જ્યાંના દરેક રહેવાસીઓએ કલાકારના યોગદાનને બિરદાવ્યું હતું.

રામલીલા વખતે અચાનક ઢળી પડ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે શ્રી રામલીલાના બીજા દિવસે રાજા દશરથના દરબારનું દૃશ્ય ભજવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અમરેશ મહાજન, જેઓ દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. ઢળી પડ્યા બાદ સાથી કલાકારોએ તેને તાત્કાલિક પંડિત જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ જણાવ્યું કે તેમનું નિધન હૃદયની ગતિ બંધ થવાને કારણે થયું.

અમરેશ મહાજનનું યોગદાન અનન્ય રહ્યું
અમરેશ મહાજન, જેઓ શિબુ તરીકે ઓળખાતા હતા, છેલ્લા 40 વર્ષથી ચંબાના ચૌગાનમાં યોજાતી રામલીલામાં સક્રિય હતા. તેઓ દશરથ અને રાવણની ભૂમિકાઓ માટે જાણીતા હતા. આ વખતે તેમણે સાથી કલાકારોને કહ્યું હતું કે આ તેમની અંતિમ રામલીલા હશે, જેને લોકોએ મજાક માની હતી, પરંતુ આ શબ્દો દુખદ રીતે સાચા પડ્યા. તેમના નિધનથી સમગ્ર ચંબા શોકમાં ડૂબી ગયું છે.

ચંબામાં રામલીલાની પરંપરા 1949થી ચાલે છે
શ્રી રામલીલા ક્લબના અધ્યક્ષ સ્વપન મહાજને અમરેશના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું. વ્યાપાર મંડળના અધ્યક્ષ વીરેન્દ્ર મહાજને પણ શોક સંવેદના વ્યક્ત કરી. ચંબામાં રામલીલાની પરંપરા 1949થી ચાલે છે. આ ઐતિહાસિક મંચન આજે પણ ચંબાની સાંસ્કૃતિક ઓળખ છે. અહીં એ જણાવવાનું કે દેશમાં કોરોના મહામારી પછી હાર્ટ એટેકના અનેક કિસ્સામાં વધારો થયો છે, જ્યારે રામલીલા વખતે પણ અમુક કલાકારો પણ સ્ટેજ પર હાર્ટ એટેકને ઢળી પડ્યા હતા, જેમાં ગયા વર્ષે પાટનગર દિલ્હીના વિશ્વકર્મા નગર ખાતે રામનું પાત્ર ભજવનારા કલાકારનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

આપણ વાંચો:  શોરઃ ડીજેના ઘોંઘાટે લીધો બે મહિનાની બાળકીનો જીવઃ પિતાએ કરી ફરિયાદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button