
બેંગલુરુઃ કર્ણાટક હાઈ કોર્ટે આજે રેણુકાસ્વામી હત્યા કેસમાં કન્નડ ફિલ્મ અભિનેતા દર્શન થુગુદીપને જામીન આપ્યા હતા. કોર્ટે દર્શનની સાથે તેના મિત્ર પવિત્રા ગૌડા અને અન્ય સાત લોકોને પણ જામીન આપ્યા છે, જે આ કેસમાં હાલમાં જેલમાં બંધ છે. અભિનેતાની તેના ફેન્સ રેણુકાસ્વામીની હત્યાના આરોપમાં 11 જૂને ધરપકડ કરવામાં આવી હતી. રેણુકાસ્વામીએ 8 જૂને પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલ્યા બાદ આ ઘટના બની હતી.
અભિનેતાને અગાઉ બેંગલુરુની પરપ્પના અગ્રહરા જેલમાં બંધ કરવામાં આવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર જેલના કેટલાક કેદીઓ સાથે આરામ કરતી એક તસવીર સામે આવ્યા બાદ તેને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પીઠના દુખાવાના કારણે દર્શન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો : હૈદરાબાદ થિયેટર સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો હકીકત?
નોંધનીય છે કે આ વર્ષે 9 જૂનના રોજ 33 વર્ષીય રેણુકાસ્વામીનો મૃતદેહ બેંગલુરુના સુમનહલ્લીમાં એક નાળા પાસે મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે રેણુકાસ્વામીનું ચિત્રદુર્ગમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો. બાદમાં ચાર વ્યક્તિઓએ નાણાકીય વિવાદના કારણે હત્યા કરી હોવાનું સ્વીકારી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
જોકે તેમના નિવેદનોની ઉલટ તપાસ કરતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસ તપાસમાં અભિનેતા દર્શન આ કેસમાં માસ્ટર માઇન્ડ હોવાનો ખુલાસો થયો હતો. 11 જૂન, 2024ના રોજ દર્શનની મૈસુરમાં ધરપકડ કરવામાં આવી હતી.