ઓડિશામાં સ્ટેજ પર ડુક્કરનું માસ ખાનારા એક્ટરની ધરપકડ; અન્ય એક્ટર્સ ફરાર
ઓડિશાના ગંજમ જિલ્લામાં આયોજિત રામાયણ પર આધારિત નાટક દરમિયાન ભયાનક ઘટના બની હતી. નાટકમાં રાક્ષસની ભૂમિકા ભજવવી રહેલા 45 વર્ષીય થિયેટર એક્ટરે સ્ટેજ પર જ જીવતા ભૂંડને મારીને, તેનું કાચું માસ ખાવાનું કૃત્ય કર્યું હતું. આ ઘટનાને કારણે લોકોમાં રોષનો માહોલ છે, વિધાનસભામાં પણ આ કૃત્યની નિંદા કરવામાં આવી. આ એક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
રામાયણ પર આધારિત નાટક દરમિયાન પ્રાણીની હત્યા કરવા બદલ વન વિભાગ દ્વારા બિમ્બધર ગૌડા નામના આ શખ્સની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે જાતે જ ડુક્કર ખરીદ્યું હતું. નાટકના આયોજકની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્ટેજ પર માંસ ખાવાનો પ્રયાસ કરનારા અન્ય કલાકારો ફરાર છે.
આ પણ વાંચો : ઓડિશા પોલીસની ક્રિએટીવિટી સોશિયલ મીડિયામાં થઈ વાયરલઃ ગુનેગારોના આવા ફોટા પોસ્ટ કર્યા
સોશિયલ મીડિયા પર વાયરલ:
અહેવાલ મુજબ આ ઘટના 24 નવેમ્બરના રોજ હિંજીલી બ્લોક હેઠળના રાલાબા ગામમાં બની હતી. થોડા દિવસો બાદ આ નાટકના વિઝ્યુઅલ ઓનલાઈન પ્લેટફોર્મ પર વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. આ ફૂટેજથી લોકોને આઘાત લાગ્યો હતો. એનિમલ રાઈટ્સ કાર્યકરો અને થિયેટર સાથે જોડાયેલા કલાકારોએ આ કૃત્યને વખોડી કાઢ્યું હતું.
ડુક્કરને સ્ટેજ પર લટકાવવામાં આવ્યું હતું. કલાકારોએ ભૂંડનું પેટ ફાડયું અને માંસ બહાર કાઢીને ખાવાની એક્ટિંગ કરી હતી. કલાકારો હિંજીલિકટમાં જ એક અલગ પરફોર્મન્સમાં સ્ટેજ પર જીવતા કોબ્રા સાથે ફરતા જોવા મળ્યા હતા.