કાર્યકરો તડકામાં તપશે ને નેતાઓ કરી રહ્યા છે ચોપર-હેલિકૉપ્ટર માટે મારામારી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનું પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે. આ ચૂંટણી દરમિયાન દરેક પક્ષે એક કૉમન વિપક્ષ સામે લડવું પડશે અને તે છે ગરમી. ગુજરાત સહિતના રાજ્યોમાં અત્યારથી જ તાપમાનનો પારો ચડવા લાગ્યો છે ત્યારે રાજકીય પક્ષોએ પણ આ સમય દરમિયાન જ લોકો વચ્ચે જઈ સંપર્ક કરવાનો છે.
આવામાં નેતાઓ તો હેલિકોપ્ટર અને એસી ગાડી કે વેનિટી વેનમાં ફરશે, પણ કાર્યકર્તાઓએ સૂરજ દેવતાનો તાપ સહન કરવાનો વારો આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રવાસો, જનસંપર્કના કાર્યક્રમો અને સભાઓ ગજવવાનું કામ કાર્યકરો પર આવતું હોય છે ત્યારે તેમની માટે રાજકીય પક્ષો વ્યવસ્થા કરતા હોય તો પણ સરવાળે રઝળપાટ તો કરવાનો રહેતો જ હોય છે. બીજી બાજુ નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે એક સ્થળેથી બીજા સ્થળે દોડાદોડ કરવાની હોવાથી તેમની સવલતો સાચવવાની જવાબદારી પણ આ કાર્યકરો અને પદાધિકારીની હોય છે.
આપણ વાંચો: રાજકારણમાં બાહુબલી નેતાઓની બોલબાલા, દેશમાં કેટલા છે કલંકિત સાંસદો અને ધારાસભ્યો?
આ વાત ધ્યાનમાં આવવું કારણ એક અહેવાલ છે. આ અહેવાલ અનુસાર ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર અને ચાર્ટ્ડ પ્લેન બૂક કરવા માટે નેતાઓ વચ્ચે ખેંચતાણ થઈ રહી છે.
ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો બુક કરી રહ્યા છે. ભાજપે મોટાભાગના ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર બુક કર્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. અન્ય પક્ષો અને ઉમેદવારોને બુકિંગ માટે ઓછી તકો મળી રહી છે.
સરકારી અને બિનસરકારી કંપનીઓ અને લોકોને ચાર્ટર્ડ પ્લેન અને ચોપર સેવાઓ પૂરી પાડતી કંપનીઓનું કહેવું છે કે અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો આ લોકસભા ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનું બુકિંગ વધી રહ્યું છે. સૌથી વધુ બુકિંગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે.
કેટલીક કંપનીઓ અને ખાનગી લોકો દ્વારા બુકિંગ પણ કરવામાં આવ્યું છે. તેમની વચ્ચે કેટલાક ઉમેદવારો પણ છે. સ્થિતિ એવી છે કે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ હજુ સુધી તેમના તમામ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા નથી અને તમામ ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. હાલમાં જો ચૂંટણી પ્રચાર સિવાયના કામ માટે કોઈને હેલિકોપ્ટરની જરૂર પડે તો તેમને આ મળવું ઘણું મુશ્કેલ છે.
ચૂંટણી દરમિયાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરના ઉપયોગને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચ પણ આ માટે એલર્ટ પર છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ માટે તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યા છે. તેનો હેતુ ચૂંટણી દરમિયાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર દ્વારા નાણાંની આપ-લે સહિત અન્ય પ્રકારના દુરુપયોગને રોકવાનો છે.
આ માટે દેશના તમામ નાના-મોટા એરપોર્ટ અને હેલીપોર્ટ પર આવા દરેક ટેક-ઓફ અને લેન્ડિંગ પર નજર રાખવામાં આવી રહી છે. આ માટે જરૂરી માર્ગદર્શિકા તમામ રાજ્યોના સીઈઓ અને જિલ્લાઓના ડીએમ અને એસએસપીને પણ જારી કરવામાં આવી છે.