યુપીમાં લગ્નની ખરીદી કરવા નીકળેલી યુવતી પર એસિડ એટેક, નરાધમ ફરાર…

ભોપાલ: ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં એક યુવતી પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવતી તેની માતા સાથે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સ્કૂટર પર આવેલા એક આરોપીએ યુવતી પર એસિડ નાખીને હુમલો કર્યો હતો. યુવતીને ગોરખપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી છે.
આ ઘટના ભીટૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જેમાં યુવતી તેની માતા સાથે ખરીદી કરવા મહારાજગંજ ગઈ હતી. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે યુવતી જેવી ઓટોમાંથી નીચે ઉતરી કે તરત જ એક સ્કૂટી સવાર બદમાશે તેના પર એસિડ વડે હુમલો કર્યો હતો. લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગી ગયો હતો. હવે પોલીસે તેની શોધખોળ શરૂ કરી દાધી છે.
એસિડ એટેકમાં યુવતી ખૂબજ ખરાબ રીતે દાઝી ગઈ છે અને ડોક્ટર તેની હાલત હાલમાં નાજુક જણાવી રહ્યા છે. થોડા દિવસ બાદ યુવતીના લગ્ન થવાના હતા આથી યુવતી લગ્નની ખરીદી માટે મહારાજગંજ ગઈ હતી. ત્યારે જ એક બદમાશ યુવકે આવીને એસિડ હુમલો કર્યો હતો.
મહારાજગંજ એસપીએ કહ્યુ હતું કે તે યુવતીના લગ્ન 15-20 દિવસ પછી થવાના હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તેમજ છોકરીના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ પણ તપાસમાં વ્યસ્ત છે. ઘટનાસ્થળે મળેલા પુરાવા પણ તપાસવામાં આવી રહ્યા છે.