મથુરામાં 7 બસ અને 3 કાર અથડાયા બાદ આગ ફાટી નીકળી; જુઓ ભયાનક વિડીયો

મથુરા: આજે મંગળવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર મથુરા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, સાત બસો અને ત્રણ કાર અથડાયા હતાં. ટક્કર બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સાથે ધુમ્મસ પણ વધી રહ્યું છે, ઓછી વિઝિબિલિટીને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા છે. આજે વહેલી સવારે યમુના એક્સપ્રેસવે પર મથુરાના બલદેવ વિસ્તાર પાસે સવારે 4:30 વાગ્યે એક પછી એક 10 વાહનો અથડાયા હતાં, ત્યાર બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર ત્રણ અને કારમાં સવાર એક મુસાફરના મોત થયા છે.
A massive fog-induced collision on Yamuna Expressway in Mathura's Baldeo police limits on Tuesday involved seven buses and three cars, igniting a fire. Four suspected deaths and scores of passengers were hospitalized. pic.twitter.com/c2Zpnijczk
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) December 16, 2025
ઈજાગ્રસ્તોની હાલત સ્થિર:
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ 12 ફાયર એન્જિનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને આગ ઓલવવાની કાર્યવાહી શરુ કરી હતી, 14 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વરિષ્ઠ પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. 25 થી વધુ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકના કમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં કોઈની પણ હાલત ગંભીર નથી.
અધિકારીઓએ આપેલી મહિતી મુજબ અકસ્માતગ્રસ્ત બસોમાં એક રાજ્ય પરિવહન વિભાગની હતી, જ્યારે અન્ય છ બસ ખાનગી ઓપરેટરોની હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બાકીના લોકોને સરકારી વાહનોમાં તેમના ગંતવ્ય સ્થળે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાને સહાય જાહેર કરી:
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ અકસ્માતની નોંધ લીધી છે, તેમણે રેસ્ક્યુ ઓફિસર્સને ઘટનાસ્થળે પહોંચીને પીડિતોને શક્ય તમામ મદદ કરવા નિર્દેશો આપ્યા હતાં. મુખ્ય પ્રધાને આ ઘટનામાં મૃતકોના પરિવારોને રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી છે.
શિયાળામાં ઓછી વિઝિબિલિટીને કારને આવી જ ઘટનાઓ નોંધાતી હોય છે. સોમવારે હરિયાણાના નૂહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર 18 વાહનો અથડાયા હતાં. રવિવારે પણ રાજૌરી અને રોહતકમાં ઘણાં વાહનો અથડાયા હતાં.
આપણ વાંચો: UNSCમાં ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ, કહ્યું પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે



