ટોપ ન્યૂઝનેશનલ

ગોવાના શિરગાંવમાં શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત , 7 લોકોના મોત 30 ઘાયલ

ગોવા : ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે યાત્રા દરમિયાન થયેલ ભાગદોડમાં 7 લોકોના મોત થયા છે અને 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું નાસભાગ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને લોકો એકબીજા પર પડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.જોકે, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી

અધિકારીઓએ હજુ સુધી નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ભીડભાડ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ અકસ્માત થયો હતો.

તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો

આ ઘટનાની જાણ થતાં જ ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો.

લૈરાઈ જાત્રા શું છે?

લૈરાઈ દેવી એક હિન્દુ દેવી છે. જેની પૂજા મુખ્યત્વે ગોવામાં થાય છે, ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં. લૈરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે.

લૈરાઈ દેવી ‘યાત્રા જેને શિરગાંવ યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે દર વર્ષે બિચોલીમ તાલુકાના શિરગાંવ ગામમાં લૈરાઈ દેવીના માનમાં ઉજવવામાં આવે છે. આ યાત્રા હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનામાં થાય છે અને ઘણા દિવસો સુધી ચાલે છે.

આ પણ વાંચો…ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ અમરેલીના બાબરાના એક જ પરિવારના પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button