Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં

લખનઉઃ મહારાષ્ટ્રના સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને વિધાનસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબ મામલે કરેલી ટીપ્પણીથી મહારાષ્ટ્રમાં તો બારે હોબાળો થયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આઝમીનો સખત વિરોધ કર્યો અને આજે તેમને વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા છે.
દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના રાજ્યમાં ચાલી રહેલી વિધાન પરિષદમાં આઝમીને ઝાટકી નાખ્યા હતા. યોગીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક નેતાને ઔરંગઝેબ સારા લાગે છે. હિંમત હોય તો સમાજવાદી પક્ષ તેમને પક્ષમાંથી બહાર કાઢે નહીંતર તેમને અહીં (ઉત્તર પ્રદેશ) મોકલી દે, અહીં આવા લોકોનો ઉપચાર સારી રીતે થાય છે.
આ પણ વાંચો: ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
તેમણે સપાના નેતાઓને લાયબ્રેરીમાં જઈ શાહજહાંનો ઈતિહાસ વાંચવા કહ્યું. શાહજહાંએ ઔરંગઝેબને કહ્યું હતું કે તારા કરતા તો હિન્દુ સારા છે જે જીવતેજીવ પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા કરે છે અને તેમના મર્યા બાદ વર્ષમાં એકવાર તેમને જલ રેડે છે. તેમણે એમ પણ કહ્યું કે સપાની સ્થાપના ડૉ. રામ મનોહર લોહિયાએ કરી હતી અને તેમણે ભારતની એકતાના ત્રણ આધાર ગણાવ્યા હતા શ્રીકૃષ્ણ, શ્રીરામ અને શિવ. સપાના નેતાઓ આ સિદ્ધાંતો ભૂલી ગયા છે.
અખિલેશ આવ્યા આઝમીના બચાવમાં
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પક્ષના નેતા અબુ આઝમીની તરફેણ કરી છે. અખિલેશે કહ્યું કે તેમને સસ્પેન્ડ કરવાથી સત્યનું મોઢું બંધ નહીં કરી શકો. જો સસ્પેન્શનનો નિર્ણય વિચારધારાથી પ્રભાવિત હોય તો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગુલામી વચ્ચે શું ફરક રહેશે. અમારા ધારાસભ્યો હોય કે સાંસદો, તેમનું નીડરપણું પ્રશંસાને પાત્ર છે. કેટલાક લોકોને લાગતું હોય કે સસ્પેન્શન દ્વારા સત્યની જીભ પર કાબૂ મેળવી શકાય છે, તો આ તેમની નકારાત્મક વિચારસરણી છે. આઝાદ ખ્યાલ કહે આજ કા, નહીં ચાહિયે ભાજપા, તેવો ભાજપવિરોધ નારો પણ અખિલેશે આપ્યો હતો.
આઝમીએ ટ્વીટ કરી કહ્યું કે…
અબુ આઝમીએ સસ્પેન્શન બાદ ટ્વીટ કરી પોતાનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે આ માત્ર મારી સાથે નહીં, પરંતુ હું જેમનું પ્રતિનિધિત્વ કરું છું તે તમામ સામે અન્યાય છે. મહારાષ્ટ્રમાં બે કાયદા છે કે શું. એક અબુ આઝમી માટે અને બીજો પ્રશાંત કોરટકર અને રાહુલ શોલાપુરકર માટે અલગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પક્ષ મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં વર્ચસ્વ ધરાવે છે. ગુજરાતમાં પણ સપાનો એક વિધાનસભ્ય છે.