વડાપ્રધાન મોદી છ વર્ષ બાદ ચીનના પ્રવાસે જશે; જાણો જિનપિંગ સાથે બેઠક કેમ ખાસ રહેશે

નવી દિલ્હી: છેલ્લા ઘાણા સમયથી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરવા પ્રયત્નો થઇ રહ્યા છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગતિરોધને સમાપ્ત કરવા માટે ભારત અને ચીન વચ્ચે ગત ઓક્ટોબર મહિનામાં સમજૂતી થઈ હતી અને સરહદની બંને બાજુએથી સેના પાછી હટી હતી. એવામાં અહેવાલ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનાના પ્રવાસે જશે.
અહેવાલ મુજબ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેસશન ઓર્ગેનાઈઝેશન(SCO) સમિટ માં ભાગ લેશે. જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત સંગઠનના સભ્ય દેશોના નેતાઓને મળશે. SCO સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ હાજર રહેશે.
આ પણ વાંચો: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, જણાવી આ વાત
છ વર્ષ બાદ ચીનની મુલાકાત:
નોંધનીય છે કે વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઇ હતી, ત્યાર બાદ વડાપ્રધાન મોદીની પ્રથમ વાર ચીનની મુલાકાત લેશે, તેઓ છેલ્લે વર્ષ 2019 માં ચીનની મુલાકાતે ગયા હતાં. વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024 માં કાઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. જૂન મહિનામાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચીનના કિંગડાઓમાં SCO ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી.
ચીન જતા પહેલા વડાપ્રધાન મોદી 30 ઓગસ્ટે જાપાનની મુલાકાતે લેશે, જ્યાં તેઓ વાર્ષિક ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વડાપ્રધાન મોદી જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાને મળશે.
આ પણ વાંચો: ભારત અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત, એસ. જયશંકરે કહ્યું મતભેદો વિવાદમાં ના ફેરવાવા જોઈએ…
SCO બેઠક કેમ મહત્વપૂર્ણ?
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ લાગુ કરી વૈશ્વિક વેપારને મોટો ફટકો પહોંચાડ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ બ્રિક્સ દેશો પ્રતિબંધ લગાવવા ધમકી આપી રહ્યા છે. એવામાં SCO સમિટ દરમિયાન એશિયામાં શક્તિશાળી દેશોના નેતાઓની બેઠક મહત્વની સાબિત થઇ શકે છે.
SCO બેઠક દરમિયાન પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ અને વેપાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે સંબંધો વધુ સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે.