‘I.N.D.I.’ ગઠબંધનને મોટો ઝટકો: AAP એ છેડો ફાડ્યો, વિપક્ષની એકતા પર સવાલ?

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ૪૦૦ પારના નારા અને બહુમતના સપનાને અધૂરું રાખવામાં વિપક્ષના ઇન્ડિ (I.N.D.I.) ગઠબંધનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી જો કે હવે આ ગઠબંધન નબળું પડતું દેખાઈ રહ્યુ છે. લોકસભા ચૂંટણી બાદ જ આમ આદમી પાર્ટી (AAP)એ ગઠબંધનથી અંતર બનાવી લીધું હતું અને હવે લોકસભાના શિયાળુ સત્ર પૂર્વે આપ આ ગઠબંધનથી તેના તમામ સબંધો પુરા કરી દીધા છે. આપના આ નિર્ણયથી ગઠબંધનની ઉભરતી જતી તાકાત ઘટે અને વિપક્ષનો અવાજ પણ નબળો પડી શકે છે.
AAP એ ‘I.N.D.I.’ ગઠબંધનથી છેડો ફાડ્યો
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈને 21મી ઓગસ્ટ સુધી ચાલવાનું છે. અગાઉ આ સત્ર 12 ઓગસ્ટ સુધી નિર્ધારિત હતું, પરંતુ મોદી સરકારે તેમાં એક સપ્તાહનો વધારો કર્યો છે. શિયાળુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે ‘INDIA’ ગઠબંધન દ્વારા વ્યૂહરચના તૈયાર કરવા શુક્રવારે સાંજે ઓનલાઈન બેઠક બોલાવવામાં આવી હતી. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી (AAP) ભાગ લેશે નહીં. આ રીતે AAP એ ‘I.N.D.I’ ગઠબંધન સાથેનો સંબંધ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે.
ટીએમસી અને ડીએમકે જેવા પક્ષની સાથે
આપના સાંસદ સંજય સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં ભાગ લેશે નહિ. તેમણે કહ્યું કે, “અમારી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ઇન્ડિયા ગઠબંધનથી બહાર છીએ. તેમણે આગળ એમ પણ કહ્યું કે આપ સંસદીય મુદ્દાઓ પર ટીએમસી અને ડીએમકે જેવા વિરોધ પક્ષ સાથે સમન્વય બનાવી રાખશે અને તેમનું સમર્થન કરશે.
ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે જ
સંજય સિંહે જણાવ્યું હતું કે ‘I.N.D.I.’ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે જ બનાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે લોકસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ તેમજ પંજાબ અને ગુજરાતની પેટાચૂંટણીઓમાં એકલા હાથે ભાગ લીધો હતો. આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ ‘I.N.D.I.’ ગઠબંધનથી રાજકીય અંતર બનાવી લીધું છે, અને હવે સંસદમાં પણ વિપક્ષી એકતાથી પોતાને અલગ કરી લીધી છે.