ટોપ ન્યૂઝનેશનલ

‘AAP’એ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ટિકિટ આપી, કેજરીવાલની થઈ શકે એન્ટ્રી?

નવી દિલ્હી: તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને કારમી હાર મળી હતી, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી હારી ગયા હતાં. એવામાં અહેવાલ છે કે અરવિંદ કેજરીવાલ સાંસદ તરીકે નવી રાજકીય ઇનિંગ શરૂ કરી શકે છે. અહેવાલ મુજબ AAP કેજરીવાલને પંજાબથી રાજ્યસભામાં મોકલી શકે છે. જોકે પાર્ટી કે કેજરીવાલ તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.

આમ આદમી પાર્ટીએ આજે બુધવારે પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર પેટાચૂંટણી માટે રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે સાથે જ અટકળો શરુ થઇ ગઈ છે કે AAP અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલી શકે છે. લુધિયાણા સ્થિત ઉદ્યોગપતિ સંજીવ અરોરા 2022 થી રાજ્યસભામાં સાંસદ છે. ગયા મહિને AAP વિધાનસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાન બાદ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી થઈ છે, જેના માટે પેટાચૂંટણી યોજાવાની છે. જો કે પેટાચૂંટણીની તારીખ હજુ જાહેર થવાની બાકી છે.

અહેવાલ મુજબ AAP અરોરાના સ્થાને કેજરીવાલને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં મોકલવાની યોજના પર વિચાર કરી રહી છે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું કે પંજાબના 6 વધુ AAP રાજ્યસભા સાંસદોએ પણ કેજરીવાલને તેમની બેઠકોની ઓફર કરી છે, પરંતુ કેજરીવાલે કોઈની ઓફર સ્વીકારી ન હતી. આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

ભાજપે શું કહ્યું?
ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયાએ સંજીવ અરોરાની ઉમેદવારી અંગે AAPને પ્રશ્ન પૂછ્યો કે શું આ પગલું નવી દિલ્હી બેઠક ગુમાવનારા અરવિંદ કેજરીવાલને પંજાબથી રાજ્યસભામાં નામાંકિત કરવા ભરવામાં આવ્યું છે? શું એ સારું વધુ સારું નહીં હોય કે કેજરીવાલને બદલે પંજાબમાંથી જ કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે?”

Also read: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, CBIએ ઉઠાવ્યું મોટું પગલું

અમિત માલવિયાએ વધુમાં પૂછ્યું કે શું AAP એ અરોરાને પેટાચૂંટણી જીત્યા પછી અને તેમની (રાજ્યસભા) બેઠક ખાલી કર્યા પછી મંત્રી પદ આપવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વિધાનસભ્ય પ્રતાપ સિંહ બાજવા દ્વારા દાવો કર્યો હતો કે કેજરીવાલનો રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ AAP ફક્ત પંજાબમાં જ સત્તામાં રહી છે. હવે, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. 2027 ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAPની સ્થિતિ મજબૂત કરવા કેજરીવાલ તૈયારી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button