કેજરીવાલના ઘરે AAPની મહત્વની બેઠક, ગુજરાત અંગે લેવામાં આવી શકે છે મોટો નિર્ણય…

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની કારમી હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખુબ જ ઓછા જાહેર કાર્યક્રમોમાં દેખાઈ રહ્યા છે. ચૂંટણી બાદ કેજરીવાલ પરિવાર સાથે ધ્યાન કરવા પંજાબમાં વિપશ્યના કેન્દ્રમાં ગયા હતાં. હવે તેઓ રાજકારણમાં ફરી સક્રિય થઇ ગયા છે. આજે કેજરીવાલે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને એક બેઠક બોલાવી છે, જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?
અહેવાલ મુજબ કેજરીવાલે પોલીટીકલ અફેર્સ કમિટી(PAC)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ અને પરિવર્તન અને ભવિષ્યની રૂપરેખા પર ચર્ચા થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીની આ પહેલી PAC બેઠક હશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા:
અહેવાલ મુજબ AAPની PAC બેઠકમાં કેટલાક નેતાઓને વિવિધ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. અહેવાલ મુજબ AAP આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકને મહત્વની જવાબદારી સોંપી શકે છે, જ્યારે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને અગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જવાબદારી સોંપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ‘ડ્રગ્સ માફિયાઓ’ સામે પંજાબ સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી, હરભજન સિંહે ઝંપલાવ્યું પણ ખરું અને ફેરવી તોળ્યું…
આ સાથે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP ની હાર માટે જવાબદારી નક્કી કરવામાં આવી શકે છે. દિલ્હીના પાર્ટી કન્વીનર ગોપાલ રાયે વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે પાર્ટી કાર્યાલયમાં બે બેઠકો બોલાવી હતી અને સંગઠનના કાર્યકરોને પણ મળ્યા હતા. ચૂંટણી પરિણામો આવ્યા પછી, અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કેટલાક કાર્યકરોને પણ મળ્યા. જોકે, તેઓ લાંબા સમયથી સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યા હતાં.