NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, બુધવારે દેશ વ્યાપી દેખાવો કરાશે
નવી દિલ્હી : દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)નું પેપર લીક થવાનો મામલો ગરમાયો છે. કેન્દ્ર સરકાર આ મામલે બેકફૂટ પર હોય તેમ જણાય છે. આ પેપર લીકના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના(Aap)નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે પરીક્ષા રદ કરવા અંગેની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર
NEET પરીક્ષા કૌભાંડ પર દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે લગભગ 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. જેમાં કરોડો વાલીઓ ચિંતિત છે કે જો આવી પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર મેડિકલ પરીક્ષામાં ગેરરીતિ થશે તો દેશનું ભવિષ્ય શું હશે. જો તેઓ 50 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્ર મેળવી શકતા હોય તો વિદ્યાર્થીઓ શા માટે મહેનત કરશે? અમારી માંગ છે કે સરકારે આ બાબતે નિર્ણય લેવો જોઈએ અને આ દિશામાં નક્કર પગલાં ભરવા જોઈએ.
19 જૂને દેશભરમાં વિરોધ પ્રદર્શન
આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. જ્યારે સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું કે, NEET પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર આ પ્રકારનું કૌભાંડ દેશ સહન નહીં કરે. આ કૌભાંડ સામે આમ આદમી પાર્ટી 18 જૂને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. જેમાં જંતર-મંતર ખાતે પાર્ટીના તમામ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. 19 જૂને આમ આદમી પાર્ટી દેશભરમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે.
Also Read –