કાશ્મીર ‘આપ’ પ્રમુખ વિરુદ્ધ FIR: મહિલા ડોક્ટરને ધમકી અને અપમાનનો આરોપ…

જમ્મુઃ આમ આદમી પાર્ટી (આપ) જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય મેહરાજ મલિક વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મહિલા ડોક્ટરની કથિત માનહાનિ, ગુનાહિત ધાકધમકી અને અપમાનના કરવાના આરોપમાં પોલીસે એફઆઇઆર નોંધી હતી. મેડિકલ કોલેજના એક એસોસિયેટ પ્રોફેસરની ફરિયાદ પર આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ જાહેરમાં ધમકી આપવા અને તેમની વિરુદ્ધ અપમાનજનક, લૈંગિક અને અભદ્ર ટિપ્પણીઓ કરવા માટે કર્યો હતો.
ડોક્ટરે ડોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ધારાસભ્ય પર ગુનાહિત ધાકધમકી, ગેરવર્તણૂક અને હોસ્પિટલની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની ફરિયાદમાં તેણીએ કહ્યું હતું કે ગંભીર રીતે પરેશાન કરનારી ઘટનાઓની એક શ્રેણીમાં મલિકે સાર્વજનિક રીતે ધમકીઓ આપવા અને મારા વિરુદ્ધ અપમાનજનક, લૈગિંક અને અશોભનીય ટિપ્પણી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. ‘ઢસડીને લઇ જઇશ’ સાથે અન્ય અસભ્ય શબ્દોનો ખુલ્લેઆમ અને દુર્ભાવનાપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.”

તેમણે કહ્યું હતું કે “આ ફક્ત શબ્દો નથી. સરકારી હોસ્પિટલમાં સેવા આપતી મહિલા ડોક્ટરના રૂપમાં મારા ગૌરવ, સલામતી અને વ્યાવસાયિક અખંડિતતા માટે સીધા ખતરા છે. આ શબ્દો સ્પષ્ટપણે એક મહિલા જાહેર સેવકની ગરિમાનું અપમાન કરે છે, તે પણ સોશિયલ મીડિયા પર.
ફરિયાદીએ પોલીસને તેના આરોપની નોંધ લેવા વિનંતી કરી કે આરોપીએ તેના સોશિયલ મીડિયા લાઇવ વીડિયોમાં ફરિયાદી સામે વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. મહિલા ડોક્ટરે કહ્યું હતું કે તેનાથી પણ વધુ પીડાદાયક બાબત તો તેમનો એ ટોણો છે – ‘આ હોસ્પિટલ તારા પિતાની નથી’ આ વાક્ય માત્ર ઘમંડ જ નહીં પરંતુ અત્યંત અસંવેદનશીલતા પણ દર્શાવે છે, કારણ કે મારા પિતાનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મલિક અગાઉ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ વિવાદમાં રહી ચૂક્યા છે.