AAP ના મનીષ સિસોદિયા અને સંજય સિંહને રાહત નહીં, લીકર કૌભાંડ કેસમાં 7 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (AAP MP Sanjay Singh) શનિવારના રોજ કથિત દારૂ કૌભાંડ કેસમાં (liquor scam case) રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં ન્યાયાધીશે ન્યાયિક કસ્ટડી લંબાવી છે. હવે આ મામલે 7 માર્ચે સુનાવણી થશે. જ્યારે, કોર્ટે મનીષ સિસોદિયાની (Manish Sisodia) ન્યાયિક કસ્ટડી પણ 7 માર્ચ સુધી વધારી દીધી છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે 7 માર્ચ સુધી કસ્ટડી લંબાવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 22 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં વધુ તપાસ અંગે વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. કોર્ટે સીબીઆઈને વધુ તપાસ અંગે વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, કોર્ટે સીબીઆઈ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો 12 માર્ચ સુધી લંબાવ્યો હતો.
હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી શરૂ થયા પછી ટ્રાયલ કોર્ટને તેને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સિંહ દિલ્હીથી રાજ્યસભામાં ફરી ચૂંટાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 4 ઓક્ટોબર, 2023ના રોજ આ કેસમાં સિંહની ધરપકડ કરી હતી.
સિંહ માટે કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જામીન અરજી પર નોટિસ જારી કરવાની માંગ કરી હતી અને અરજીને પેન્ડિંગ કેસ સાથે જોડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે પેન્ડિંગ કેસની સુનાવણી 5 માર્ચે થવાની છે અને તેથી બંને કેસની સુનાવણી એકસાથે થવી જોઈએ. બેન્ચે આ વિનંતી સ્વીકારી અને કહ્યું કે બંને અરજીઓ પર એકસાથે વિચારણા કરવામાં આવશે.