AAPના નેતાઓએ જંતરમંતર બહાર કર્યો વિરોધ, મોદી સરકાર પર સીધા પ્રહાર
નવી દિલ્હીઃ આમ આદમી પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં પુરવામાં આવ્યા છે ત્યારે પક્ષના નેતાઓ દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન માટે બેઠા છે.
સંજય સિંહએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા તો દિલ્હીના ઉપરાજ્યપાલને પણ પડકાર ફેંક્યો હતો કે તેઓ ભાજપના નેતાઓને શરાબ કાંડમાં જેલની અંદર નાખી બતાવે. સંજય સિંહ તાજેતરમાં જ મની લોંડરિંગ કેસમાં જામીન પર બહાર આવ્યા છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના અકાઉન્ટમાં રૂ. 55 કરોડ જમા થયા છે, જે મની લૉંડરિંગના જ છે.
અરબિંદો ફાર્માના ડિરેક્ટર સારથ ચંદ્રા રેડ્ડી પણ પહેલા આ જ કેસમાં પકડાયા હતા, પરંતુ ત્યારબાદ તેઓ સાક્ષી બન્યા અને તમને જામીન આપવામાં આવ્યા હતા. સંજય સિંહ તેમના તરફ ઈશારો કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. સિંહે ઉપરાજ્યપાલને કહ્યું હતું કે જો તમારામાં થોડી પણ નૈતિકતા બચી હોય તો પત્ર લખો અને ભાજપના નેતાઓને જેલના સળિયા પાછળ કરો.
તેમણે મોદી કી ગેરંટી સ્લોગનની ટીખ્ખળ કરતા કહ્યું હતું કે ભાજપ આઝાદ ભારતની સૌથી વધારે ભ્રષ્ટ પાર્ટી છે અને દેશના તમામ ભ્રષ્ટ નેતાઓને પોતાના પક્ષમાં લેવા એ મોદીની ગેરંટી છે.
દિલ્હી સિવાય મુંબઈ, અમદાવાદ જેવા વિવિધ શહેરો અને યુએસએમાં પણ કેજરીવાલના સમર્થકોએ ધરણા કર્યા હતા.