
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)નાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ના મારપીટના કિસ્સામાં પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી (આપ)નાં વરિષ્ઠ નેતાએ મોટો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ દાવો કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર છે. સ્વાતિ માલીવાલ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકના કિસ્સામાં સામે પક્ષે મુખ્ય પ્રધાનના પીએમ વિભવ કુમારે ફરિયાદ નોંધાવી છે.
આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલના આરોપોને ફગાવી દીધા છે. દિલ્હી સરકારનાં પ્રધાન અને આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માલીવાલ ભાજપના ષડયંત્રનું પ્યાદું છે.
માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએમ રહી ચૂકેલા વિભવ કુમાર પર મારપીટનો આરોપ મૂક્યો છે. આ મુદ્દે આતિશીએ કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ ચિંતામાં આવી ગઈ છે અને એના કારણે ભાજપે આ ષડયંત્ર રચ્યું હતું. સ્વાતિ માલીવાલને 13મી મેના સવારે મોકલવામાં આવી હતી અને માલીવાલ ભાજપનું પ્યાદું છે.
આતિશીએ કહ્યું કે એનો ઉદ્દેશ તો મુખ્ય પ્રધાન પર આરોપ મૂકવાનો હતો. મુખ્ય પ્રધાન એ વખતે હાજર નહોતા, તેથી તેઓ બચી ગયા. ત્યારબાદ તેને વિભવ કુમાર પર આરોપ મૂક્યો હતો. સ્વાતિ માલીવાલ કહે છે કે તેની મારપીટ કરવામાં આવી હતો તો તેને વાગ્યું હતું. કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા, પરંતુ આજે આવેલો વીડિયો તો કંઈ અલગ કહે છે.
સ્વાતિ માલીવાલ વીડિયોમાં પોલીસને ડરાવી રહી છે. વિભવને ધમકાવી રહી છે. ગાળાગાળી કરી રહી છે અને અપશબ્દો બોલી રહી છે. સ્વાતી માલીવાલના દાવા પાયાવિહોણા છે. આતિશીએ કહ્યું કે વિભવ કુમારે માલીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 13મી મેના માલીવાલ સીએમ નિવાસસ્થાને પહોંચી ત્યારે કોઈ પણ પ્રકારની એપોઈન્ટમેન્ટ વિના પહોંચી હતી. ગેટ પર રોકવામાં આવી ત્યારે પોલીસને ધમકી આપી હતી.
વેટિંગ રુમમાં બેસાડવામાં આવ્યા પછી બળજબરીપૂર્વક ડ્રોઈંગ રુમમાં બેઠી અને સીએમને મળવા માટે આગ્રહ કરવા લાગી હતી. આ મુદ્દે આતિશીએ કહ્યું કે વિભવ કુમારે કહ્યું કે આજે મુખ્ય પ્રધાન નથી તો ઘરમાં જવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે સ્વાતી માલીવાલે વિભવને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્વાતી માલીવાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર વિભવ કુમારે સીએમના નિવાસસ્થાને મારપીટ કરી હતી. આ કેસમાં પોલીસે ગુરુવારે એફઆઈઆર પણ નોંધાવી છે અને તપાસ સંબંધમાં પોલીસની એક ટીમ સીએમના નિવાસસ્થાને પણ પહોંચી હતી.