PMની શૈક્ષણિક યોગ્યતા પર ટિપ્પણી મામલે AAP નેતા સંજય સિંહને SCથી રાહત નહી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યોગ્યતા પર ટિપ્પણી કરવાના મામલામાં AAPના નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે ગુજરાતની નિચલી અદાલતની ટ્રાયલમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. સંજય સિંહ સામે અપરાધિક માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સંજય સિંહને ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના સમન્સને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
AAPના નેતા સંજય સિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાત પર ટિપ્પણી કરવાના કેસમાં સંજય સિંહે નીચલી કોર્ટના સમન્સને રદ કરવાની માંગને ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટને ન્યુક્લિયર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગુજરાતની એક મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને PM મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેના તેમના અપમાનજનક નિવેદનો બદલ માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યું હતું. આ અંગે ગુજરાત યુનિવર્સિટીએ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો મામલો સાત વર્ષ જૂનો છે. 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસે તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ વિશે માહિતી માંગી હતી. તે સમયે કેજરીવાલે પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો માગી હતી. ત્યારબાદ CIC એ એક નાગરિકની RTI અરજી સ્વીકારી હતી. તત્કાલીન મુખ્ય માહિતી કમિશનરે વડા પ્રધાન કાર્યાલયને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએમ મોદીની અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીના નંબર અને વર્ષ જણાવે. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી યુનિવર્સિટીની છબીને નુકસાન થયું છે.