પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP-કોંગ્રેસનો દબદબો
પંજાબની 5 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કોણ બનશે તે નક્કી કરવા માટે શનિવારે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
પટિયાલામાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનની 60માંથી 45 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં AAPએ 35 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને ભાજપે ચાર-ચાર બેઠકો જીતી હતી અને શિરોમણી અકાલી દળના બે ઉમેદવારો જીત્યા છે. એટલે પટિયાલામાં AAPના મેયર બનશે.
અમૃતસરમાં કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અમૃતસરમાં કૉંગ્રેસને બહુમતી મળી છે અને અહીં કૉંગ્રેસના મેયર બનશે. કોંગ્રેસને 43, AAPને 24, BJPને 9 અને અકાલી દળને 4 બેઠકો મળી છે. 5 પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો.
ફગવાડામાં કૉંગ્રેસે મોટી જીત નોંધાવીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ફગવાડામાં આમ આદમી પાર્ટીએ 12 વોર્ડમાં, કોંગ્રેસને 22માં, ભાજપને પાંચમાં, અકાલી દળને 2 વોર્ડમાં, બસપાને 1 અને અપક્ષોને 3 વોર્ડમાં જીત મળી છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી તો આવી છે, પરંતુ મેયર પદ માટે તેને અપક્ષો અને નાના પક્ષોનો ટેકો મેળવવો જરૂરી બનશે.
લુધિયાણામાં બહુમતનો આંકડો 48 છે અને આમ આદમી પાર્ટી અહીં 41 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. ભાજપ 19, અકાલી દળ 2 અને આઝાદ ઉમેદવારોએ 3 વોર્ડમાં જીત મેળવી છે.
જલંધરમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. અપક્ષો અને નાના પક્ષોના ટેકાથી જ અહીં મેયર પદ નક્કી થશે. જલંધરમાં 85 વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ 38, કોંગ્રેસ 25, ભાજપ 19, બસપા 1 અને 2 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.