સીએમ પદ છોડ્યા બાદ હવે ઘર પણ છોડશે Kejriwal….

નવી દિલ્હીઃ મુખ્ય પ્રધાન તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળતી હોય છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેમણે મુખ્ય પ્રધાનને મળતી સુવિધાઓપણ છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ કેજરીવાલ સીએમ આવાસ સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે.
કેજરીવાલની જાહેરાત બાદ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ એક અઠવાડિયામાં ઘર ખાલી કરી દેશે અને તેઓ બધી સુવિધાઓ છોડી દેશે. અરવિંદ કેજરીવાલના રાજીનામાથી દિલ્હીના લોકો નારાજ છે, લોકો સવાલ કરી રહ્યા છે કે તેમને રાજીનામું આપવાની શું જરૂર હતી.”
સંજય સિંહે કહ્યું હતું કે, ભાજપ 2 વર્ષથી અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા અને તેમની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા. જો કોઈ જાડી ચામડીના નેતા હોત તો ખુરશી પર ચોંટી ગયા હોત. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં જામીન મેળવવા અશક્ય છે તેવા કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. સંજય સિંહે એમ પણ કહ્યું હતું કે જો અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન નહીં બને તો ભારતીય જનતા પાર્ટી દિલ્હીને મળતી મફત વીજળી અને પાણીની સુવિધા બંધ કરી દેશે.
નોંધનીય છે કે મંગળવારે જ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જ્યારે કોઈ પણ નેતા મુખ્ય પ્રધાન નથી રહેતો ત્યારે તેને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે વધુમાં વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે. કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ જેલમાં ભયંકર ગુનેગારોની વચમાં રહીને આવ્યા છે. હવે સામાન્ય લોકોની વચ્ચે રહેશે.
ભગવાન તેમની રક્ષા કરશે. તેમણે ક્યાં રહેવું એ હજી નક્કી નથી કર્યું, પણ બીજું ઘર ટૂંક સમયમાં મળી જશે
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આતિશીને સીએમ બનાવવાનો નિર્ણય મંગળવારે પાર્ટીની વિધાનસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
જે મુજબ દિલ્હીના વર્તમાન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવું પડશે અને તેમણે સત્તાવાર સીએમ હાઉસ ખાલી કરવું પડશે. મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલે મારા પર વિશ્વાસ કર્યો. મને ધારાસભ્ય, મંત્રી અને પછી આજે સીએમ બનાવી. મને ખુશી છે કે તેમણે મારા પર આટલો વિશ્વાસ વ્યક્ત કર્યો. હું ખુશ છું અને દુઃખી પણ છું.”
Also Read –