નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Elections: AAPએ ગુજરાતના લોકસભા ઉમેદવારની પણ કરી જાહેરાત, કોંગ્રેસને પણ ઝાટકી

અમદાવાદ: લોકસભા ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી (AAP) ધીમે ધીમે સક્રિય થઇ રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) ની અરવિંદ કેજરીવાલે કરેલી જાહેરાત બાદ હવે વધુ એક બેઠક પર ઉમેદવાર નક્કી થઇ ગયા છે, ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણા (Umesh Makwana) ચૂંટણી લડશે. તેઓ હાલમાં બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી સંદિપ પાઠકે આ જાહેરાત કરી હતી. તેઓ આવતીકાલથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન આમ આદમી પાર્ટીનું લોકસભા ચૂંટણીનું કેમ્પેઇન પણ લોન્ચ કરશે.

સંદિપ પાઠકે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના મેરિટના આધારે જુઓ તો ‘આપ’ને એક તૃતીયાંશ સીટ અને કોંગ્રેસને બે તૃતીયાંશ સીટ મળવી જોઈએ, બાકીની 6 લોકસભા બેઠકો પર હાલ વિચારણા ચાલુ છે. અમે એક મહિનાથી ઈન્ડિયા એલાયન્સ બેઠકની રાહ જોઈ રહ્યા છીએ કે આગામી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે અને મામલો આગળ વધશે, પરંતુ છેલ્લા એક મહિનામાં કોઈ બેઠક થઈ નથી, આ ઉપરાંત સંદિપ પાઠકે ગુજરાતમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધન અને તેમાં ભરૂચ લોકસભા પર કોંગ્રેસના ઉમેદવાર સાથે લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ દિલ્હી રહે છે, આથી તેમની ભરૂચ પર કોઇ પકડ નથી.

આ સાથે જ તેમણે કોંગ્રેસની ભરૂચ લોકસભા બેઠક પર પ્રભુત્વ વિશે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે “અમને કહેવાયું હતું કે અહેમદભાઈ અહીં લડતા હતા અને હવે અહેમદભાઈની દીકરી અહીંથી લડશે. અમે તેનો ડેટા કાઢ્યો. 1977 થી 1991 સુધી અહીં ચૂંટણી લડ્યા હતા.”

“છેલ્લી વખત કોંગ્રેસ પાર્ટીએ 1984માં ત્યાં જીત મેળવી હતી. 40 વર્ષ થયા કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણી જીતી શકી નથી. તેને બાજુ પર રાખીને, 2019માં ભાજપને 55% વોટ શેર મળ્યા અને કોંગ્રેસ પાર્ટીને 26% વોટ શેર મળ્યા. 40 વર્ષથી કોંગ્રેસની ભાવનાત્મક બેઠક નથી, આથી આ અહેમદભાઈની બેઠક નથી. આજે જો તમારે ભાજપને હરાવવા હોય તો તમારે વંશવાદમાંથી બહાર આવવું પડશે. જે વ્યક્તિ ભાજપને હરાવી શકે તેને ટિકીટ આપવી પડશે. આશા રાખીએ કે INDIA અલાયન્સ આ જાહેરાતને સ્વીકારે અને અમે આ બેઠક પર મહેનત કરીને જીતીશું.” તેવું સંદિપ પાઠકે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button