મોદીની ગેરંટી સામે કેજરીવાલની ગેરંટી, AAPની દેશવાસીઓને 10 ગેરંટી
નવી દિલ્હી: દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાઈ એ પહેલા આમ આદમી પાર્ટી(AAP)ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપતા રાજકીય માહોલ રસપ્રદ બન્યો છે. જેલમાંથી બહાર આવતા જ અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં સક્રિય થઇ ગયા છે. આજે અરવિંદ કેજરીવાલે દસ ગેરંટીની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી ધરપકડને કારણે ગેરંટીની જાહેરાતમાં થોડો વિલંબ થયો છે. આ ગેરંટી પર ઇન્ડિયા ગઠબંધન ભાગીદારો સાથે ચર્ચા કરવામાં આવી નથી પરંતુ અમે જે પ્રકારની ગેરંટી આપી રહ્યા છીએ તેનાથી કોઈને પણ કોઈ સમસ્યા નહીં થાય. આ દસ ગેરંટી પર કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે. લોકોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ કેજરીવાલની ગેરંટી પસંદ કરશે કે મોદીની ગેરંટી.
- 24-કલાક વીજળી પુરવઠો:
કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર દેશભરમાં સતત વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે અને દેશભરમાં આર્થિક રીતે વંચિત પરિવારોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. - શિક્ષણ સુધારણા:
કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર દેશમાં જન્મેલા દરેક બાળકને મફત શિક્ષણની આપશે, ખાનગી સંસ્થાઓને પાછળ છોડે એવી ગુણવત્તા વાળી સરકારી શાળાઓ બનવવામાં આવશે. - આરોગ્ય સુવિધા:
કેજરીવાલે દરેક ગામ અને વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક્સ સ્થાપવાનું અને સામાન્ય માણસો સુધી આરોગ્ય સુવિધાની પહોંચ માટે જિલ્લા હોસ્પિટલોને મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓમાં અપગ્રેડ કરવાનું વચન આપ્યું. - રાષ્ટ્રીય સુરક્ષા:
તેમણે કહ્યું કે ચીન પાસેથી જમીન ફરીથી મેળવવા સૈન્યને સંપૂર્ણ સ્વાયત્તતા આપીશું અને પ્રાદેશિક અખંડિતતા માટે રાજદ્વારી પ્રયાસો કરીશું. - અગ્નિવીર યોજના બંધ:
કેજરીવાલે જણાવ્યું કે અમે અગ્નિવીર યોજના બંધ કરીશું અને તમામ નોંધાયેલા યુવાનોને કાયમી હોદ્દા પર નિયમિત કરીશું, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરીશું અને સેના માટે પૂરતા ભંડોળની ખાતરી કરીશું. - ખેડૂતોનું કલ્યાણ:
ખેડૂતો સન્માન સાથે જીવન જીવે તેની ખાતરી કરવા માટે સ્વામીનાથન રીપોર્ટના આધારે પાક માટે યોગ્ય વળતર આપવામાં આવશે. - દિલ્હી રાજ્યનો દરજ્જો:
અમારી સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે, જે તેના રહેવાસીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. - રોજગાર સર્જન:
અમારી સરકાર બેરોજગારીની ચિંતાઓને દૂર કરવા માટે વાર્ષિક 2 કરોડ નવી નોકરીઓનું સર્જન કરશે. - ભ્રષ્ટાચાર નાબૂદી:
કેજરીવાલે ભાજપના ભ્રષ્ટાચારીઓને બચાવવાની નીતિને તોડીને અને બધા માટે જવાબદારી સુનિશ્ચિત કરીને ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રતિજ્ઞા લીધી. - વેપાર અને ઉદ્યોગ પ્રમોશન:
તેમણે PMLA નિયમોમાંથી GSTને દૂર કરીને તેને સરળ બનાવવાનું વચન આપ્યું છે અને ઉત્પાદન ક્ષેત્રે ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય રાખ્યું છે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 25 મેના રોજ દિલ્હીની 7 અને હરિયાણાની 10 બેઠકો પર મતદાન થશે. પંજાબની 13 બેઠકો પર છઠ્ઠા તબક્કામાં 1 જૂને મતદાન થશે.