આધારકાર્ડ ઓળખનો પુરાવો નથી! બિહાર મતદાર યાદી વિવાદ વચ્ચે UIDAIના વડાનું નિવેદન

નવી દિલ્હી: બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એ પહેલા ચૂંટણીપંચ રાજ્યમાં મતદાર યાદી સુધારવા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા હાથ ધરી છે.
આ માટે પંચે સ્વીકાર્ય ઓળખ દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડ(Aadhar card)ને બાકાત રાખ્યું છે. પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક એકાઉન્ટને અધરકાર્ડ સાથે લીંક કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે, ત્યારે ચૂંટણી પંચે આધારકાર્ડને ઓળખના દસ્તાવેજ તરીકે સ્વીકારવાની મનાઈ કરતા વિવાદ ઉભો થયો છે.
ચૂંટણી પંચે 24 જૂનના રોજ જાહેર કરેલા નિર્દેશો મુજબ SIR હેઠળ 25 જુલાઈ સુધીમાં બિહારમાં લગભગ આઠ કરોડ મતદારોને આવરી લેવામાં આવશે, જેથી મતદાર યાદીમાં અયોગ્ય નામો દૂર કરી શકાય અને ફક્ત લાયક નાગરિકોનો જ મતદાર યાદીમાં સમાવેશ થાય.
આપણ વાંચો: હવે આધાર કાર્ડ અપડેટ માટે જોઇશે આ ડોકયુમેન્ટ, યુઆઈડીએઆઈએ જાહેર કર્યું નવું લિસ્ટ
આધાર ઓળખનો દસ્તાવેજ નહીં:
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના CEO ભુવનેશ કુમાર(Bhuvnesh Kumar)એ આ વિવાદ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આધાર ક્યારેય ઓળખ માટે પહેલો દસ્તાવેજ રહ્યો નથી.”
એક ખાનગી મીડિયા સંસ્થા સાથે સાથે ખાસ વાત કરતા ભુવનેશ કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે આધારનો ઉદ્દેશ્ય નાગરિકોની ડિજિટલ ઓળખને સરળ બનાવવાનો છે, પરંતુ તે પરંપરાગત દસ્તાવેજોનો વિકલ્પ નથી.
આપણ વાંચો: તમારા આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ તો કરતું નથી ને, અજમાવો આ ટેકનીક…
આધારકાર્ડમાં બિલ્ટ-ઇન QR કોડ સિક્યોરિટી:
ઈન્ટરવ્યું દરમિયાન ભુવનેશ કુમારે જણાવ્યું નકલી આધાર કાર્ડને રોકવા માટે UIDAI પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આધાર કાર્ડમાં QR કોડ સાથેની બિલ્ટ-ઇન સિક્યોરિટી મિકેનીઝમ છે. તેમણે કહ્યું , “તમામ નવા આધાર કાર્ડ પર એક QR કોડ હોય છે અને UIDAI દ્વારા એક આધાર QR સ્કેનર એપ વિકસાવવામાં આવી છે.
આ એપ દ્વારા, QR કોડમાં એમ્બેડ કરેલી માહિતી સાથે આધાર કાર્ડના ઓળખપત્રોને મેચ કરી શકાય છે. જો કોઈ નકલી આધાર કાર્ડ બનાવે, તો તેને સરળતાથી ચકાસી શકાય છે.”
UIDAI ના CEO ભુવનેશ કુમારે એમ પણ જણાવ્યું કે એક નવી આધાર એપ્લિકેશન વિકસાવવામાં આવી રહી છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે. નવી એપને કારણે લોકોને તેમના આધાર કાર્ડની ફિઝીકલ કોપી શેર કરવાની જરૂરિયાત નહીં રહે.