Viral Video: હૈદરાબાદમાં યુટ્યૂબરે ચાલુ બાઈક પર કર્યો એવો સ્ટન્ટ કે…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ કોઈનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હોય છે. એમાંથી કેટલાક વીડિયોમાંથી ઘણું બધું શિખવા મળે છે તો વળી કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને માથાના વાળ ખેંચી નાખવાનું મન થાય.
પરંતુ આજે આપણે અહીં એવા એક વાઈરલ વીડિયોની વાત કરીશું કે જેમાં યુટ્યુબરે બાઈક પરથી ચણી નોટોનો વરસાદ કરીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. નેટિઝન્સ આ વીડિયો જોઈને જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાલો ચાલો જોઈએ શું છે આ ઘટના અને તે ક્યાંની છે?
વાઈરલ થઈ રહેલો આ વીડિયો હૈદરાબાદ સ્થિત યુટ્યુબર, બાઇકની પાછળ સવાર થઈને, ચલણી નોટોના બંડલ હવામાં ફેંકતો જોવા મળી રહ્યો છે. પૈસાનો વરસાદ જોઈને ભીડભાડવાળા રસ્તા પર અરાજકતા ફેલાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સુધાકર ઉદુમુલા@sudhakarudumula નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને કેપ્શનમાં તેમણે લખ્યું છે કે ‘ટ્રાફિકમાં પૈસા ફેંકવાના યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામર્સના આ અવિચારી કૃત્યથી હૈદરાબાદમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનું વર્ણન કરતાં યુઝરે લખ્યું હતું સાયબરાબાદ પોલીસ, આ ઘટના બાબતે તમે શું કાર્યવાહી કરશો?
આ પણ વાંચો: સેમ કર્રન (Sam Curran)એ લગાવ્યા જય સિયારામના નારા, શું છે વાઈરલ વીડિયોની સચ્ચાઈ?
મળી રહેલી માહિતી અનુસાર પૈસા ફેંકનાર યુટ્યુબરની ઓળખ ઈટ્સ મી પાવર તરીકે કરવામાં આવી છે. તેણે ઓછામાં ઓછા ત્રણ એક જેવા વિડીયો શેર કર્યા છે જેમાં તે ભારે ટ્રાફિકમાં હવામાં પૈસા ફેંકતો જોઈ શકાય છે.
યુટ્યુબર દ્વારા કરવામાં આવેલા સ્ટંટની નિંદા કરતા એક યુઝરે લખ્યું- આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ..તેમની યુટ્યુબ ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવા જોઈએ.
બીજા એક પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે મને ખબર નથી પડતી કે શા માટે હૈદરાબાદ પોલીસ આ યુટ્યુબરો પર દયા બતાવી રહી છે જેઓ શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. શું તેની સામે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો છે? જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ‘જો તેણે મહેનત કરીને પૈસા કમાયા હોત તો તે ક્યારેય આવું ન કરી શક્યા હોત. આવા સ્ટંટ જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે.
સોશિયલ મીડિયા અમુક લાઈક્સ અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવતા આ સ્ટન્ટ્સ કેટલી હદે યોગ્ય છે અને તેને કેટલું પ્રોત્સાહન આપવું જોઈએ એ એક સવાલ જ છે.