જર જમીન ને જોરુંઃ રાજસ્થાનમાં ભાઈએ ભાઈને પતાવી નાખ્યો…

ભરતપુરઃ ગુજરાતીમાં કહેવત છે જર જમીન ને જોરું, કજિયાના છોરું. હકીકતમાં રાજસ્થાનમાં જમીનના વિવાદમાં ભાઈએ જ પોતાના સગાભાઈની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. ભરતપુર જિલ્લામાં આવેલા એક ગામમાં જમીન-સંપત્તિની લાલચમાં અમૂલ્ય સંબંધોની બલિ ચડાવતા એક શખ્સે પોતાના જ ભાઇની હત્યા કરી છે. આ વ્યક્તિએ સતત આઠ વાર પોતાના જ ભાઇને ટ્રેક્ટર નીચે કચડીને ખુલ્લેઆમ તેની હત્યા કરી નાખી. સ્થળ પર ઉપસ્થિત અન્ય લોકોને પણ આ ઘટનામાં ઇજા પહોંચી છે.
ભરતપુરના બયાના પાસે આવેલા અડ્ડા ગામમાં આ ઘટના બની હતી, જેમાં બંને પક્ષની વચ્ચે જમીનનો વિવાદ એટલી હદે વધી ગયો હતો કે એક શખ્સે આવેશમાં આવી જઇને સતત આઠ વાર ટ્રેક્ટર નીચે પોતાના ભાઇને કચડીને તેની કરપીણ હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અન્ય 10 સ્થાનિક આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. જેમને બયાનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા સાંબિત પાત્રાએ એક્સ પર તથા એક પ્રેસ કોન્ફરન્સમાં પણ ઘટનાને વખોડી કાઢતા સ્થાનિક ગહેલોત સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ ફક્ત એક હત્યાનો મામલો નથી પરંતુ સમગ્ર રાજસ્થાનનો મામલો છે. તેમણે પ્રિયંકા વાડ્રાને જનસભાને સંબોધતા પહેલા ભરતપુરની મુલાકાત લેવાની માગ કરી હતી. અને કહ્યું હતું કે અશોક ગેહલોત તુષ્ટિકરણની રાજનીતિ માટે હમાસ અને ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે.