
હૈદરાબાદઃ યુવાવયના લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટનાઓ સતત વધવા લાગી છે. માણસમાં અત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ આવી રહી છે. ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 25 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. જીહા, હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં મિત્રો સાથે બેડમિન્ટન રમતી વખતે અચાનક હૃદયરોગનો હુમલો આવતા 25 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે.
હાર્ટ એટેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુંડાલા રાકેશ નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે બેડમિન્ટન રમત રમી રહ્યો હોય છે. જે દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવે છે અને ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. ગુંડલા રાકેશ ખમ્મમ જિલ્લાના તલ્લાડા ગામના પૂર્વ ઉપ સરપંચ ગુંડલા વેંકટેશ્વરલુનો દીકરો છે. રાકેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સારવાર પહેલા જ તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.
હાર્ટ એટેક મામલે નિષ્ણાતો શું કહે છે?
હાર્ટ એટેકને સાયલન્ટ કિલર્સ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે ક્યારેક કોઈ ચેતવણી વિના આવે છે. આ બાબતે નિષ્ણાતો એવું માને છે કે, જ્યારે હૃદય ખરેખર મુશ્કેલીમાં હોય ત્યારે શરીર ચોક્કસ સંકેતો મોકલે છે. હાર્ટ એટેકના કેટલાક સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો, છાતીમાં બેચેની, એક અથવા બંને હાથ, પીઠ, ગરદન, જડબા અથવા પેટમાં બેચેની, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવોનો સામેવશ થયાં છે. આ સાથે હાર્ટ એટેક પહેલા ઉબકા, ઉલટી, ચક્કર અને થાક પણ લાગતો હોય છે. રાકેશનું પણ અચાનક હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે.