યુવા દેશ ભારતની સંસદમાં વૃધ્ધોની ભરમાર, લોકસભાના સાંસદોની સરેરાશ વય 55.5 વર્ષ

નવી દિલ્હી: ભારત ભલે વિશ્વનો સૌથી યુવા દેશ હોય અને 2024ની સામાન્ય ચૂંટણીમાં યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હોય, પરંતુ આપણી લોકસભા વૃદ્ધ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આઝાદી પછી દરેક ચૂંટણીમાં લોકસભા વૃધ્ધ થઈ રહી છે. 17મી લોકસભામાં સાંસદોની સરેરાશ ઉંમર 55.5 વર્ષની થઈ ગઈ છે અને આ સાથે વર્તમાન લોકસભા સૌથી વૃધ્ધ લોકસભા બની ગઈ છે.
પહેલી લોકસભામાં આ ઉંમર 46.5 હતી. બીજી લોકસભાની વાત કરીએ તો સાંસદોની સરેરાશ ઉંમર 46.7 હતી. ત્રીજી લોકસભામાં સભ્યોની સરેરાશ ઉંમર વધીને 49.4 થઈ ગઈ. મોટી સંખ્યામાં યુવા મતદારોના વારંવાર ઉલ્લેખો છતાં, 17મી લોકસભા વયની દ્રષ્ટિએ અગાઉની લોકસભા કરતાં વૃધ્ધ છે.
પ્રથમ લોકસભા (1952) એ અત્યાર સુધીની બીજી સૌથી યુવા લોકસભા હતી. આ લોકસભામાં સાંસદોની ઉંમર 46.5 વર્ષ હતી. તે સમયે 51 થી 55 વર્ષની વયના 93 સાંસદો હતા. 71 વર્ષથી વધુ ઉંમરના માત્ર એક જ સાંસદ હતા. 16મી લોકસભામાં 40 વર્ષથી ઓછી ઉંમરના સભ્યો 8 ટકા હતા.
જ્યારે 17મી લોકસભામાં આવા સભ્યો 12 ટકા હતા. વર્ષ 2019માં 17મી લોકસભા માટે ચૂંટણી યોજાઈ હતી. રાષ્ટ્રીય પક્ષોમાંથી જીતીને કુલ 397 સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા. જેમાંથી 52 કોંગ્રેસના સભ્યો છે, વર્તમાન લોકસભામાં સભ્યોની સરેરાશ ઉંમર 55.5 વર્ષ છે.
વર્ષ 1998માં 12મી લોકસભામાં સાંસદોની સરેરાશ વય સૌથી ઓછી 46.4 વર્ષ નોંધવામાં આવી હતી. આ રીતે આ લોકસભા સૌથી યુવાન કહી શકાય. જ્યારે, 86 વર્ષના લાલ કૃષ્ણ અડવાણી 16મી લોકસભાના સૌથી વૃદ્ધ સભ્ય હતા.
દેશમાં આ વખતે લોકસભાની ચૂંટણી વિશ્વમાં સૌથી વધુ મતદારોની ભાગીદારી સાથે ચૂંટણીનો રેકોર્ડ બનાવશે. દેશની કુલ વસ્તીના 66.76 ટકા યુવાનો એટલે કે પુખ્ત વયના લોકો મતદાન કરે છે.
દેશમાં કુલ મતદારોનો ગ્રાફ 96.88 કરોડ પર પહોંચી ગયો છે, જે 2019ની સામાન્ય ચૂંટણીઓ પછી છ ટકાના વધારાની પુષ્ટિ કરે છે. 2.63 કરોડ નવા મતદારો નોંધાયા છે. તેમાંથી 1.41 કરોડ મહિલા મતદારો છે. જ્યારે આમાં પુરૂષ મતદારોનો હિસ્સો માત્ર 1.22 કરોડ જ છે.