ઓડિશામાં બન્યો ચોંકાવનારો બનાવઃ હાર્ટ એટેક પૂર્વે ડ્રાઈવરે 60 પ્રવાસીના જીવ બચાવ્યા પણ…
બાલાસોર: ગયા વર્ષે બાલાસોરમાં ટ્રિપલ ટ્રેનના અકસ્માતમાં સેંકડો લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ તાજેતરમાં એક બસના ડ્રાઈવરની સતર્કતાને બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓનો જીવ બચી ગયા હતા. આમ છતાં કમનસીબ બાબત એ હતી કે હાર્ટ એટેકેને કારણે ડ્રાઈવરનું મોત થયું હતું, પરંતુ જો તેને સત્વરે બસ રોકી ન હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.
મંગળવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં બસ ચલાવતી વખતે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ હતી કે હાર્ટ એટેક આવ્યા પૂર્વે સમયસર બસ અટકાવીને ૬૦થી વધુ મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે આ ઘટના મંગળવારે વહેલી સવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના પાતાપુર છક ખાતે બની હતી. પશ્ચિમ બંગાળના પ્રવાસીઓને લઈને જતી બસ જિલ્લાના પંચલિંગેશ્વર મંદિર તરફ જતી હતી ત્યારે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો.
સહેજ દુખાવાનો અહેસાસ થતાં જ ડ્રાઈવરે બસને રોડની બાજુએ રોકી દીધી હતી અને ત્યાર બાદ એ બેભાન થઇ ગયો હતો. ગભરાયેલા પ્રવાસીઓએ સ્થાનિક લોકોને બોલાવ્યા હતા, ત્યારબાદ ત્યાંથી ડ્રાઈવર (શેખ અખ્તર નામના)ને નજીકની નીલગીરી સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા. ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, તેવું પોલીસે જણાવ્યું હતું.
અમિત દાસ નામના પ્રવાસીએ કહ્યું હતું કે ડ્રાઈવર અચાનક બીમાર થઈ ગયો અને બસ રોકી દીધી. રસ્તાની એક બાજુએ વાહન રોકાતા જ તે બેભાન થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મુસાફરો અને સ્થાનિક લોકોએ ડ્રાઇવરની સમયસૂચકતાની પ્રશંસા કરી હતી.