બદમાશોનો પીછો કરવા બદલ પોલીસના જવાનને મળ્યું મોત

સિવનીઃ મધ્યપ્રદેશના સિવનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી નાખવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરનું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચોરીના કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસકર્મીઓની એક ટીમ ગુરુવારે રાત્રે એસયુવીમાં છિંદવાડા તરફ ભાગી રહેલા બદમાશોનો પીછો કરી રહી હતી. લખનવાડા રોડ પર પોલીસને જોઇને બદમાશો તેમનું વાહન સિવની શહેર તરફ લઇ ગયા અને બમહોડી પાસે રોકાઈ અને છૂપાઈ ગયા હતા. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરના નેતૃત્વમાં એક ટીમે તેમને જોયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસને નજીક આવતી જોઈને ચારમાંથી એક આરોપીએ પોતાની પિસ્તોલ કાઢી પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી ઠાકુરની છાતી પર વાગી હતી જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્રણ આરોપીઓ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા, જ્યારે પોલીસકર્મી પર ફાયરિંગ કરનાર વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો હતો.
ઘાયલ હેડ કોન્સ્ટેબલને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં નાગપુર રિફર કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. સિવનીના એસપી રાકેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન હાર્ટ અટેકના કારણે મોત થયું છે.