પીટબુલના હુમલામાં દોઢ વર્ષની બાળકીને ગંભીર ઇજા, ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ

નવી દિલ્હી: પાટનગર દિલ્હીથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તાજેતરમાં દિલ્હીના બૂરાડી વિસ્તારમાં પીટબુલ પ્રજાતિના શ્વાને એક દોઢ વર્ષની બાળકી પર હુમલો કરી તેને ગંભીર રીતે જખમી કરી હતી. આ ઘટનાનો વીડિયો ત્યાં લેગલા સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો.
વીડિયોમાં દોઢ વર્ષની આ બાળકીને તેના દાદાએ તેડી છે. આ દરમિયાન તેમની પાસેથી એક પીટબુલ પણ પસાર થઈ રહ્યો છે. એ વખતે પીટબુલે દોઢ વર્ષની બાળકી પર હુમલો કર્યો અને તેને કરડયો હતો. પીટબુલના હુમલામાં બાળકીને ગંભીર ઇજા થતાં તેને પગમાં ત્રણ જગ્યાએ ફ્રેકચર આવ્યું છે અને 18 ટાકા પણ લેવામાં આવ્યા હતા.
પીટબુલ પ્રજાતિના શ્વાન દ્વારા લોકો પર હુમલા કરવાના અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં દિલ્હીમાં બનેલી આ ઘટનાને લીધે પીટબુલને પાળવાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શ્વાને એક બાળકી પર હુમલો કરી તેને બચકું ભર્યું હતું. પીટબુલના હુમલા બાદ તરત જ લોકો બાળકીની મદદ માટે દોડી આવ્યા હતા અને તેમણે તરત જ બાળકીના પગને શ્વાનના જડબામાંથી છોડાવ્યો હતો. આ ઘટના બે જાન્યુઆરી બની હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે પીટબુલના હુમલાથી બાળકીને 17 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોના મનમાં ભય બેસી ગયો છે. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થતાં પોલીસ દ્વારા શ્વાનના માલિક સામે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો દાવો પીડિત બાળકીના પરિવારે કર્યો હતો.