ભારતમાં દર 30 મિનિટે એક નવો કરોડપતિ! મુંબઈ ‘કરોડપતિઓની રાજધાની: રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી: ભારતમાં આર્થિક અસમાનતાની સ્થિતિ પર ફરી પ્રશ્નો ઊભા કરે તેવો ખુલાસો એક રિપોર્ટમાં થયો હતો. ભારતમાં અમીરોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 અનુસાર, ભારતમાં લગભગ દર 30 મિનિટે એક નવો કરોડપતિ પરિવાર ઉમેરાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ ₹8.5 કરોડ કે તેથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યા 4.58 લાખથી વધીને હવે 8.71 લાખ થઈ ગઈ છે. આ આંકડો 2021ની સરખામણીમાં લગભગ બમણો છે.
ક્યાં છે સૌથી વધુ કરોડપતિ?
રિપોર્ટ મુજબ, મુંબઈ દેશની ‘કરોડપતિઓની રાજધાની’ બની ગયું છે, જ્યાં 1.42 લાખ શ્રીમંત પરિવારો રહે છે. રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર 1.78 લાખ કરોડપતિ પરિવારો સાથે દેશમાં સૌથી આગળ છે. ત્યાર બાદ તમિલનાડુ (72,600), દિલ્હી (68,200) અને બેંગલુરુ (31,600)નો નંબર આવે છે.
ક્યાં રોકાણ કરવાનું પસંદ કરે છે અમીર પરિવારો?
હુરુન ઇન્ડિયા ઇન્ડેક્સ (MBHX) અને લક્ઝરી કન્ઝ્યુમર સર્વે 2025 અનુસાર, કરોડપતિઓ ડિજિટલ પેમેન્ટ (UPI), શેરબજાર, રિયલ એસ્ટેટ અને સોનાને તેમના મુખ્ય રોકાણ વિકલ્પો તરીકે પસંદ કરે છે. રોલેક્સ, તનિષ્ક, એમિરેટ્સ અને HDFC બેન્ક તેમના સૌથી પસંદગીના બ્રાન્ડ્સ છે. હુરુન ઇન્ડિયાના સ્થાપક અનસ રહેમાન જુનૈદના જણાવ્યા મુજબ, ભારતમાં સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે, જે ભારતના વિકાસની મોટી ગાથા કહે છે. આ રિપોર્ટમાં આગામી દસ વર્ષમાં ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં વધુ વધારો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આપણ વાંચો: અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે