શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલાહાબાદ હાઇ કોર્ટનો મોટો નિર્ણય
શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની આપી મંજૂરી
અલાહાબાદઃ અલાહાબાદ હાઈકોર્ટમાં આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇ કોર્ટે હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ પરિસરનો સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈને 16 નવેમ્બરે બધા પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના મામલામાં હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના કોર્ટ કમિશનના સર્વેને મંજૂરી આપી છે. આ સાથે હાઈકોર્ટે ઈદગાહ કમિટી અને વકફ બોર્ડની દલીલોને ફગાવી દીધી છે. અલાહાબાદ હાઇ કોર્ટનો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ છે. હાઇ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષના વિશ્વાસ અને આસ્થાની જીત તરીકે જોઇ શકાય છે.
જન્મભૂમિ-ઇદગાહ કેસમાં 16 નવેમ્બરે થયેલી સુનાવણી બાદ હાઇકોર્ટે તમામ 18 કેસ સાથે સંબંધિત વાદી અને પ્રતિવાદીઓને વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ કર્યો હતો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું હતું કે હાઈકોર્ટે સેશન્સ કોર્ટમાં દાખલ 18 કેસની ફાઈલો તેમના અધિકારક્ષેત્રમાં સુનાવણી માટે લીધી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈદગાહ પાર્ટી જન્મસ્થળના આર્કિટેક્ચર સાથે રમત કરીને પુરાવાનો નાશ કરી રહી છે. પુરાવાનો નાશ થાય તે પહેલા હાઇકોર્ટમાં જ્ઞાનવાપીની તર્જ પર જન્મસ્થળનો સર્વે કરવાનો આદેશ કરવા માંગણી કરી હતી.