EPFO કર્મચારીઓના હિતમાં આ નિયમમાં કરવા જઇ રહ્યું મોટો બદલાવ

નવી દિલ્હી. કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ યોજના હેઠળ (EPFO) સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF)માં કરમુક્ત યોગદાનની હાલની મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. અત્યારે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ માં રૂપિયા 2.5 લાખથી વધુના યોગદાન પર મળતું વ્યાજ કરપાત્ર છે. આનો હેતુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને તેમની બચત વધારવા અને નિવૃત્તિ માટે વધુ ભંડોળ ઊભું કરવામાં મદદ કરવાનો છે.
મીડિયા અહેવાલ અનુસાર શ્રમ મંત્રાલય આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી નાણાકીય વર્ષ 2026 માટે બજેટની ચર્ચા દરમિયાન નાણા મંત્રાલય સાથે તેની ચર્ચા કરી શકે છે.
સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF) શું છે?
સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF) એ એક વૈકલ્પિક યોજના છે જેમાં પગારદાર કર્મચારીઓ ફરજિયાત EPF ઉપરાંત તેમની બચત વધારવા માટે યોગદાન આપી શકે છે. આમાં, EPFમાં યોગદાન પર સમાન વ્યાજ આપવામાં આવે છે. જે ચક્રવૃદ્ધિ દરે વાર્ષિક ધોરણે ઉમેરવામાં આવે છે. VPF માં મહત્તમ યોગદાન મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 100 ટકા સુધી હોઈ શકે છે. જો કે પાંચ વર્ષ પૂર્વે તેને ઉપાડવામાં આવે તો તે રકમ કરપાત્ર છે.
Also Read – દિવાળી પહેલા શેર માર્કેટમાં કડાકો: ‘Sensex’ 700 પોઈન્ટ તૂટ્યો; આ બેંકનો શેર 18% તુટ્યો, જાણો કારણ
2.5 લાખની મર્યાદામાં ફેરફાર પર વિચારણા
હાલમાં, VPFમાં રૂપિયા 2.5 લાખથી વધુનું કરમુક્ત વ્યાજ મેળવવાની મર્યાદા બજેટ 2022માં લાગુ કરવામાં આવી હતી. તેનો હેતુ ઉચ્ચ આવક ધરાવતા જૂથના કર્મચારીઓને બેંકો અથવા ફિક્સ ડિપોઝિટ કરતાં સ્કીમનો ઉપયોગ કરીને વધુ કરમુક્ત વ્યાજ મેળવવાથી અટકાવવાનો હતો. હવે સરકાર આ મર્યાદા વધારવાનું વિચારી રહી છે, જેથી મધ્યમ આવક જૂથના લોકો વધુ બચત કરી શકે.