
પઠાણમથિટ્ટા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં કેરળના ચાર દિવસીય પ્રવાસે છે. પોતાના આ ચાર દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. પરંતુ પ્રવાસના પહેલા જ દિવસે તેમની સાથે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના પઠાણમથિટ્ટા જિલ્લાના પ્રમાદમ સ્ટેડિયમના હેલિપેડ પર બની હતી, જ્યાં તેમનું હેલિકોપ્ટર ઉતર્યું હતું.
વજનના કારણે હેલિપેડ ધરાશાયી થયું
પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સબરીમાલા મંદિરની મુલાકાતે જવાના હતા. જેના માટે તેઓ વાયુસેનાના હેલિકોપ્ટરમાં બેસીને પઠાણમથિટ્ટા ખાતે પહોંચ્યા હતા. પરંતુ હેલિકોપ્ટર હેલિપેડ પર લેન્ડ થયું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બહાર આવ્યા એવામાં હેલિકોપ્ટરના વજનના કારણે હેલિપેડનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું જણાયું હતું, જેના કારણે હેલિકોપ્ટર ફસાઈ ગયું હતું. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થઈ ન હતી.
ઘટનાસ્થળે તૈનાત પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ફસાયેલા હેલિકોપ્ટરને ખૂપી ગયેલા વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બચાવ કાર્યકર્તાઓની ટીમ હેલિકોપ્ટરને બહાર કાઢતી જોવા મળે છે.
રાષ્ટ્રપતિનો કેરળ પ્રવાસ કાર્યક્રમ
રાષ્ટ્રપતિ મુર્મુ 21 ઓક્ટોબરે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. આજે તેઓ પવિત્ર સબરીમાલા મંદિરની મુલાકાત લેવાના છે.
23 ઓક્ટોબરના રોજ તેઓ તિરુવનંતપુરમના રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. વરકલા શિવગિરિ મઠ ખાતે તેઓ શ્રી નારાયણ ગુરુના મહાસમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત તેઓ સેન્ટ થોમસ કોલેજના 75મા વર્ષગાંઠ સમારોહના સમાપન સમારોહમાં હાજરી આપશે.
24 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપીને કેરળની મુલાકાત પૂર્ણ કરશે.