બોલો, બિહારમાં રાતોરાત ગાયબ થઈ ગયું તળાવઃ ભૂમાફિયાઓને મળ્યું મોકળું મેદાન
પટણાઃ રાજ્યમાં રાજકીય ઉથલપાથલના સમાચારો વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે જે જોઇને લાગે છે કે સુશાસન બાબુ નીતીશ કુમારના રાજમાં જમીન માફિયાઓ બેફામ બની ગયા છે. તેમને પોલીસ, પ્રશાસન અને કોર્ટ કોઇનો ડર નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંના જમીન માફિયાઓ હાઈ કોર્ટના આદેશની અવગણના કરીને દરભંગાના મોહનપુર ગામના તળાવમાં રાતોરાત માટી ભરી રહ્યા છે અને તેના પર મકાનો બનાવી રહ્યા છે, જેના પર 15 વર્ષ પહેલા 2008માં હાઈ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો.
આમ છતાં જમીન માફિયાઓએ કોર્ટના આદેશનો અનાદર કરીને ડઝનેક ટ્રેક્ટર વડે તળાવને માટીથી ભરી દીધું હતું. જમીન માફિયાઓએ વહીવટીતંત્ર અને કોર્ટને અવગણીને આશરે 12 વીઘા વિસ્તારના તળાવને ભરી દીધું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યારે ચારે બાજુથી સવાલો ઉઠવા લાગ્યા તો પોલીસ સક્રિય થઈ ગઈ.
હકીકતમાં દરભંગાના સારા મોહનપુર ગામમાં જમીન માફિયાઓએ એક તળાવને માટીથી ભરીને રાતોરાત ગાયબ કરી દીધુ છે. તળાવમાં માટીનું ભરણું કર્યા બાદ ભૂમાફિયાઓએ એના પર પોતાનું કામચલાઉ ઝૂપડું પણ ઊભું કરી દીધું હતું.
હાઇ કોર્ટે 2008માં જમીન ભરવા પર સ્ટે આપ્યો હોવા છતાં કોર્ટના આદેશોની અવગણના કરવામાં આવી હતી અને રાતોરાત ડઝનેક ટ્રેક્ટર વડે તળાવમાં માટી ભરી દેવામાં આવી હતી. આવા ભૂમાફિયાઓને કોઇનો ડર નથી. જોકે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને હરકતમાં આવી હતી, પણ ત્યાં સુધીમાં ભૂમાફિયાઓ ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ આ તળાવ સરકારની માલિકીનું છે અને તેનું સંચાલન પણ નિયમિત રીતે થાય છે, પરંતુ દરભંગામાં જમીનના ભાવમાં થયેલો વધારો જોઈને જમીન માફિયાઓએ તળાવ પર નજર કરી અને તેના પર કબજો કરવા માટે માટી ભરવાનું કામ શરૂ કર્યું. જમીન માફિયાઓ દ્વારા તળાવમાં માટી ભરવાનું કામ ગેરકાયદે હતું. હાલમાં તો હાલમાં તો 12 વીઘા વિસ્તારનું તળાવ સમથળ જમીન બની ગયું છે.