નેશનલ

મુસ્લિમ દરજી દ્વારા બનાવવામાં આવેલ ‘હનુમાન ધ્વજ’ રામ મંદિરના શિખર પર ફરકશે….

રાંચીઃ ઝારખંડમાં રહેતા એક મુસ્લિમ દરજી 55 વર્ષીય ગુલામ જિલાનીએ અયોધ્યામાં પ્રભુ રામના મંદિર માટે 40 ફૂટ લાંબો અને 42 ફૂટ પહોળો ‘હનુમાન ધ્વજ’ ડિઝાઇન કર્યો છે. આ ધ્વજ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે મંદિરના શિખર પર ફરકાવવામાં આવશે.

ઝારખંડના હજારીબાગ જિલ્લામાં રહેતા જિલાની છેલ્લી ત્રણ પેઢીથી દરજીનું કામ કરે છે. તેઓએ મંદિરોના ધ્વજ બનાવવામાં નિષ્ણાત છે. જિલાનીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિરનો ધ્વજ બનાવવાનું કામ મને મળ્યું એ મારું સૌભાગ્ય છે.


જિલાનીએ જણાવ્યું હતું કે તેઓ તેમના પિતા અબ્દુલ શકૂર પાસેથી ટેલરિંગ શીખ્યા હતા. તેમના પિતાનું મૃત્યુ લગભગ 40 વર્ષ પહેલાં 80 વર્ષની વયે થયું હતું. તેમણે જણાવ્યું હતું કે હું મારા પિતા સાથે વીર ટેક્સટાઈલની સામે આવેલી ફતેહલાલ અગ્રવાલની માલિકીની ભોલા ટેક્સટાઈલમાં કામ કરતો હતો. અને હાલમાં હું વીર વસ્ત્રાલયમાં કામ કરું છું.


જિલાનીએ ધ્વજ વિશે જણાવ્યું હતું કે આ ધ્વજ તૈયાર કરતા લગભગ 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો તેમ જ તેના મેટા 150 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને મંદિરમાં 100 ફૂટ ઊંચા સ્તંભ પર સ્થાપિત કરવામાં આવશે તેમ જ આ ધ્વજ તૈયાર કરવામાં કુલ 21,000 જેટલો ખર્ચ થયો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વીર વસ્ત્રાલયની સ્થાપના 1977માં કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી ધ્વજ બનાવવાનું જ કામ કરીએ છીએ. દર વર્ષે અંદાજે અમે તમામ ધર્મો માટે બે લાખથી વધુ ધ્વજ બનાવીએ છીએ. તેમણે એમ પણ જણાવ્યું કે ખાસ તો તમામ હિન્દુ તહેવારો પર તેમને આ રીતે ધ્વજ બનાવવાના ઓર્ડર મળે છે. તેમાં પણ ખાસ રામનવમી અને શિવરાત્રી દરમિયાન વિદેશથી ધ્વજ બનાવવાનું કામ પણ મળે છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા કરશે. અને તેના માટે અત્યારે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામમંદિરના ધ્વજ સિવાય દીવો અને અગરબત્તી પણ ભક્તો દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવશે. આ ઉપરાંત ઘણા ભક્તો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાન રામના સ્વાગત માટે ઘણી વસ્તુઓ મોકલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button