દિલ્હીમાં જામશે વિશ્વભરના દિગ્ગજોનો મેળાવડો: ‘ઇન્ડિયા-AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું આયોજન

વોશિંગ્ટન ડીસી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ભારત હવે વિશ્વનું માર્ગદર્શક બનવા જઈ રહ્યું છે. આગામી 19 અને 20 ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે ‘ઇન્ડિયા-AI ઇમ્પેક્ટ સમિટ 2026’ યોજાવા જઈ રહી છે. આ વૈશ્વિક આયોજન માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારતના નેતૃત્વની પ્રશંસા કરી છે. તેમણે આ સમિટને વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી છે અને પોતે પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવવાની પુષ્ટિ કરી છે. ગ્લોબલ સાઉથમાં યોજાનારી આ પ્રથમ પ્રકારની AI સમિટ હશે, જેના પર આખા વિશ્વની નજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ફ્રાન્સમાં યોજાયેલી AI એક્શન સમિટ દરમિયાન ભારતમાં આ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. આ સમિટ મુખ્યત્વે ત્રણ સ્તંભો – ‘પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ’ (લોકો, પૃથ્વી અને પ્રગતિ) પર કેન્દ્રિત હશે. ગુટેરેસે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હવે AI એક નિર્ણાયક મુદ્દો બની ગયો છે. આ સમિટ દ્વારા વિશ્વભરના દેશો, સિવિલ સોસાયટી અને ટેકનોલોજી નિષ્ણાતો એક મંચ પર આવશે, જેથી AI જેવી મોટી પડકારજનક ટેકનોલોજીનો ઉપયોગ માનવજાતના ભલા માટે કેવી રીતે કરી શકાય તેની ચર્ચા થઈ શકે.
એન્ટોનિયો ગુટેરેસ આ સમિટમાં ‘ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ’ પર વિશેષ સંદેશ આપશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં AI ક્ષમતા વધારવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત કરવાનો છે. ભારત પાસે પહેલાથી જ આ ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા અને ક્ષમતા છે, જે આ સમિટના કેન્દ્રીય લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સમિટ એવી કલ્પના કરે છે કે ભવિષ્યમાં AI ટેકનોલોજી સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે અને આપણી પૃથ્વીના રક્ષણમાં મદદરૂપ બને.
આ સમિટનો એક મોટો એજન્ડા સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ બનાવવાનો પણ છે. આ પેનલ AI ની અસરોનું આકલન કરનારું વિશ્વનું પ્રથમ સ્વતંત્ર નિકાય હશે. રસપ્રદ વાત એ છે કે, આ પેનલ માટે ગુટેરેસે વિશ્વભરના 40 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભલામણ કરી છે, જેમાં IIT મદ્રાસના ડેટા સાયન્સ વિભાગના વડા બલરામન રવિન્દ્રનનું નામ પણ સામેલ છે. આ પેનલ ટેકનોલોજીકલ અંતરને ઘટાડવા અને અર્થતંત્રો પર AI ની વાસ્તવિક અસરોનો અભ્યાસ કરવા માટે જવાબદાર રહેશે.
આપણ વાંચો: બિહારમાં મજૂરીના મુદ્દે બોલાચાલીમાં 200 બ્રાહ્મણો સામે એટ્રોસિટીનો કેસ ઠોકી દેવાયો



