નેશનલવીક એન્ડ

વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો

મુંબઈ: ગત આઠમી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલર ઘટીને ૬૭૫.૬૫૩ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહમાં અનામત ૨.૬૭૫ અબજ ડૉલરના ઘટાડા સાથે ૬૮૨.૧૩ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, તે પૂર્વે સપ્ટેમ્બરના અંતમાં વિદેશી હૂંડિયામણની અનામત ૭૦૪.૮૮૫ અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૪.૪૬૭ અબજ ડૉલરના ઘટાડા સાથે ૫૮૫.૩૮૩ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સમીક્ષા હેઠળના સપ્તાહમાં ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યૅન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

Also Read ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ ગુમાવ્યો:

વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત ૧.૯૩૬ અબજ ડૉલર ઘટીને ૬૭.૮૧૪ અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ છ કરોડ ડૉલર ઘટીને ૧૮.૧૫૯ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ ૧.૪ કરોડ ડૉલર ઘટીને ૪.૨૯૮ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button