ભળતા નામથી ભરમાશો નહીં: રામ મંદિરના પ્રસાદના નામે ઠગે કરી 3 કરોડથી વધુની છેતરપિંડી | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

ભળતા નામથી ભરમાશો નહીં: રામ મંદિરના પ્રસાદના નામે ઠગે કરી 3 કરોડથી વધુની છેતરપિંડી

શ્રીરામ જન્મભૂમિ પર બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. આ અવસરે રામલલ્લાના દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તો આયોધ્યા પહોંચી રહ્યા છે. આવા શુભ અવસરે આયોધ્યામાં કેટલાક ઠગો સક્રિય થયા છે. તમારે ઘરે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસાદ પહોંચાડીશું, એવું કહીને તેઓ નકલી વેબસાઈટ મારફતે પૈસા પડાવતા હોય છે. ગત વર્ષે આવા એક ઠગે અત્યાર સુધી 3 કરોડથી વધુની રકમની શ્રદ્ધાળુઓ પાસેથી સેરવી લીધી હતી.

ગાઝિયાબાદના રહેવાસી આશિષે એક નકલી વેબસાઈટ બનાવી હતી. જેના માધ્યમથી તેણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રસાદ મોકલવાની લાલચ આપતો હતો. તે ભારતના લોકો પાસેથી 51 રૂપિયા અને વિદેશીઓ પાસેથી 11 ડોલર ચાર્જરૂપે વસૂલતો હતો. તેની લોભામણી જાહેરાતનો શિકાર બનીને અનેક લોકોએ તેની વેબસાઈટ પરથી પ્રસાદ મંગાવ્યો હતો. પરંતુ કોઈને પ્રસાદ મળ્યો ન હતો. આ વાત ઉત્તર પ્રદેશ સાયબર ક્રાઈમ પોલીસના ધ્યાનમાં આવી હતી.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી આશિષની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક પાસપોર્ટ પણ મળ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી આશિષે પ્રસાદ મોકલવાની લાલચ આપીને 6, 30, 695 શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા 3 કરોડ 85 લાખથી પણ વધુ રકમ ભેગી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બેંક અને કોર્ટના સહયોગથી છેતરપિંડી કરીને ભેગી કરેલી તમામ રકમ જપ્ત કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા 3,73,520 શ્રદ્ધાળુઓના ખાતામાં 2,15,08,426 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. બાકીના 1,70,47,313 રૂપિયા પેમેંટ ગેટવેના માધ્યમથી બાકીના શ્રદ્ધાળુઓને મોકલી આપવાની પ્રક્રિચા ચાલું છે. આશિષ દ્વારા છેતરપિંડીનો શિકાર બનનાર પીડિતોના બેંક એકાઉન્ટ શોધીને પૈસા જમા કરવાની પ્રક્રિયામાં સાયબર ક્રાઈમ પોલીસને એક વર્ષનો સમય લાગ્યો છે. આમ, અનેક ઠગો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમે છે. તેથી અધિકૃત વેબસાઈટ સિવાય અન્ય કોઈ પર ભરોસો કરશો નહી. ઓનલાઈન ફ્રોડથી સાવધાન રહો, સતર્ક રહો.

આ પણ વાંચો….રામ મંદિરનું નિર્માણ કાર્ય આ તારીખે પૂરું થશે, ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠાની જાણો વિગતો

Back to top button