
હનોઇઃ વિયેતનામની રાજધાની હનોઈમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, એવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જે ઇમારતમાં આગ લાગી હતી તે નવ માળની હતી. આ ઇમારત સાંકડી ગલીમાં હોવાને કારણે રેસ્ક્યુ ટીમને ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગી હતી. આ ઇમારત રાજધાનીના રહેણાંક વિસ્તારમાં આવેલી છે.
આગ બુધવારે રાતે લગભગ બે વાગે લાગી હતી. આગ પાર્કિંગ ફ્લોરના એક એપાર્ટમેન્ટમાં લાગી હતી. બાદમાં આગે સમગ્ર બિલ્ડિંગને લપેટમાં લઇ લીધું હતું. આ નવ માળની ઈમારતમાં લગભગ 150 લોકો રહે છે. આગ એટલી ભયાનક હતી કે અનેક લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. આગ લાગ્યા બાદ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
બચાવકર્મીઓ દ્વારા લગભગ 70 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 54 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગની ઘટનામાં ઘણા બાળકોના પણ મૃત્યુ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. બિલ્ડિંગની નાની બાલ્કનીઓને લોખંડની ગ્રીલથી બંધ કરવામાં આવી હોવાથી આગ લાગી ત્યારે લોકો પાસે એપાર્ટમેન્ટ બ્લોકમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ હતો. આ ઉપરાંત ઈમારતમાં ઈમરજન્સી ગેટ પણ નહોતો.
લગભગ એક વર્ષ પહેલા દક્ષિણ વિયેતનામના એક કરાઓકે ક્લબમાં લાગેલી આગમાં 33 લોકોના મોત નીપજ્યા હતા. કલબની બારી પર ઈંટો મુકવામાં આવી હતી, જેનાથી બચવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો.