બોલો, ગૂગલ મેપે કરાવ્યા ડિવોર્સ…
અત્યારે જમાનો ટેક્નોલોજીનો છે અને ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે. આપણે આપણા રોજબરોજના જીવનના અનેક કામો ડિજિટલ કરીએ છીએ. એક જ ક્લિક પર આપણા મોટાભાગના કામો પૂરા થઈ જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ મેપ કોઈ કપલના ડિવોર્સ થઈ શકે છે? હવે તમે કહેશો કે ભાઈસાબ અત્યાર સુધી તો એવું સાંભળ્યું હતું કે ગૂગલ મેપથી કોઈ જગ્યાનું સરનામું શોધી શકાય, પણ ડિવોર્સ કરાવવામાં ગૂગલ મેપ નિમિત્ત બને એ વાત તો અત્યાર જ સાંભળી.
સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પણ આ હકીકત છે. કામથી બહાર ગયેલી પત્ની લાંબા સમય સુધી પાછી ન ફરતાં પતિએ પત્નીનું ગૂગલ લોકેશન ટ્રેક કર્યું હતું. ગૂગલ મેપ પર કેટલાક ફોટો તમે ઝૂમ ઈન કરી જોઈ શકો છો અને આ દરમિયાન પતિને તેની પત્ની કોઈ પરપુરૂષ સાથે ઈન્ટિમેટ થતી જોવા મળી હતી. આ જોઈને પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ.
પેરુની રાજધાની લીમાની આ ઘટનામાં પતિએ જોયું કે પત્ની રસ્તાના કિનારા પર આવેલી એક બેન્ચ પર બેઠી હતી અને આ બેન્ચ પર એક પુરુષ સૂતેલો હતો. આ પુરુષનું માથું તેની પત્નીના ખોળામાં હતું. ગૂગલ કેમેરાએ આ ફોટો ક્લિક કર્યો. પતિને શંકા આવતા ફોટો ઝૂમ ઈન કરીને જોયું તો કપડાં પરથી એ મહિલા તેની પત્ની હોવાનો ખ્યાલ તેને આવ્યો હતો.
ફોટો જોયા બાદ તેણે પત્નીને આ અંગે પુછપરછ કરી હતી. પત્નીએ પણ પોતાનું કોઈ બીજા પુરુષ સાથે અફેર હોવાની વાત કબૂલ હતી અને આખરે ગુસ્સે ભરાયેલા પતિએ તેને કોર્ટમાં ખેંચી ગયો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.