નેશનલ

દેશ ઉદ્યોગપતિઓ બનાવે છે, પણ…..

દેશના અબજોપતિ ઉદ્યોગપતિની પોસ્ટ થઇ વાઇરલ

નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાની જેમ જ દેશના અબજોપતિ બિઝનેસમેન અને વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ કંઈક રસપ્રદ પોસ્ટ કરતા હોય છે. ખાસ કરીને તેઓ તેમના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ વિશે જણાવતા હોય છે, પરંતુ તેમની હાલની એક પોસ્ટમાં તેમણે રાષ્ટ્રના નિર્માણમાં ઉદ્યોગપતિઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. ઉદ્યોગસાહસિકોના મહત્વને વર્ણવતા તેમણે તેમની પોસ્ટમાં લખ્યું, ‘રાજકારણીઓ ભલે દેશનું નેતૃત્વ કરતા હોય, પરંતુ ઉદ્યોગસાહસિકો (ઉદ્યોગપતિઓ) દેશને બનાવે છે.’

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે ટ્વિટર (હવે X) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને તેની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે. અનિલ અગ્રવાલે તેમાં લખ્યું છે કે જ્યારે હું અમેરિકા (યુએસ), બ્રિટન (યુકે), જાપાન કે અન્ય કોઈ લોકશાહી દેશને જોઉં છું ત્યારે એ વાત મને આઁખે ઉડીને વળગે છે કે રાજકારણીઓ દેશનું નેતૃત્વ કરે છે અને તેને સશક્ત બનાવે છે,એવી જ રીતે ઉદ્યોગસાહસિકો તેને બનાવે છે. વેદાંતના અધ્યક્ષ અનિલ અગ્રવાલે પોતાના અભિપ્રાય માટે અમેરિકાનું ઉદાહરણ પણ આપ્યું હતું.

પોતાની વાયરલ પોસ્ટમાં અમેરિકાનું ઉદાહરણ આપતા અબજોપતિ ઉદ્યોગપતિએ કહ્યું છે કે અમેરિકાનું નિર્માણ 5 સાહસિકોએ કર્યું છે. તેમાં રોકફેલર, એન્ડ્રુ કાર્નેગી, જેપી મોર્ગન, ફોર્ડ અને વેન્ડરબિલ્ટનો સમાવેશ થાય છે. આ તમામ ઉદ્યોગસાહસિકોએ તેમની મોટાભાગની સંપત્તિ પરોપકાર દ્વારા દાનમાં આપી દીધી હતી. આ સંપત્તિને કારણે અમેરિકાના નિર્માણમાં મદદ મળી હતી. અનિલ અગ્રવાલની આ પોસ્ટને એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

ભારતમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકોને ઓછો આંકવાની સમસ્યા.

અમેરિકા, બ્રિટન અને જાપાન જેવા દેશોનું ઉદાહરણ આપતા અનિલ અગ્રવાલે ભારત વિશે પણ મોટી વાત કહી હતી. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, ‘આપણા ભારતમાં ઘણી વાર એવું જોવા મળ્યું છે કે દેશમાં ઘરેલુ સાહસિકોની ભૂમિકાને ઓછી આંકવામાં આવે છે, પરંતુ, તેઓ દેશ માટે જે કરી શકે છે, જે વિચારી શકે છે, તે બીજું કોઈ કરી શકતું નથી. તેઓ વિદેશી ટેક્નોલોજી અને ફંડ સાથે ઉદ્યોગો માટે મજબૂત પાયો નાખી શકે છે. દેશના દરેક લોકો માટે જરૂરી સંપત્તિ અને સમૃદ્ધિના નિર્માણ કરવામાં ઉદ્યોગપતિઓની આ ચાલ શ્રેષ્ઠ હોય છે.

પોસ્ટના અંતે, તેમણે કહ્યું હતું કે જો સ્થાનિક ઉદ્યોગસાહસિકો પૈસા કમાય છે, તો તેઓ અમેરિકન સાહસિકોની જેમ તેમની કમાણીનો એક ભાગ ચેરિટીમાં દાન પણ કરે છે. વેદાંતના ચેરમેને આગળ લખ્યું છે કે, ‘સરકારે ઘરેલું ઉદ્યોગપતિઓને વધુ સન્માન અને માન્યતા આપવી જોઈએ. તેમની કદર કરવી જોઇએ. સરકારે ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ કરવો પણ જરૂરી છે, જે તેમને દેશ માટે વધુ સારું કામ કરવા પ્રોત્સાહિત કરશે.’ અનિલ અગ્રવાલે એમ પણ કહ્યું હતું કે મારું માનવું છે કે ઉદ્યોગપતિઓ મુકદ્દમા, ઓડિટ અને લાંબી સરકારી પ્રક્રિયાઓથી ડરે છે. ઉદ્યોગસાહસિકોને વિશ્વાસ અને લાભ આપવો મહત્વપૂર્ણ છે. વિશ્વમાં સમૃદ્ધ બનેલો દરેક લોકતાંત્રિક દેશે તેમના ઉદ્યોગસાહસિકોમાં વિશ્વાસ મૂક્યો છે અને તેમના કામને માન્યતા આપી છે. તેમને પ્રેરિત કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button