નેશનલ

આ રાજ્યમાં કૂતરા કરડવાના કિસ્સામાં 200 ગણો વધારો, રોજ 600 લોકો શિકાર બને છે

પટણાઃ બિહારમાં કૂતરા કરડવાના કેસમાં ગત વર્ષની સરખામણીએ ૨૦૦ ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ માહિતી તાજેતરના રાજ્યના આર્થિક સર્વેક્ષણ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં બહાર આવી છે. રિપોર્ટમાં રાજધાની પટણામાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૨,૫૯૯ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે, જે બિહારમાં સૌથી વધુ હતા.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બિહાર આર્થિક સર્વે(૨૦૨૩-૨૪)માં કૂતરા કરડવા સૌથી વધુ પ્રચલિત રોગ તરીકે સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨,૦૭,૧૮૧ લોકો શ્વાન કરડવાના શિકાર બન્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ સંખ્યા માત્ર ૯,૮૦૯ હતી.

ડેટા દર્શાવે છે કે બિહારમાં દરરોજ સરેરાશ ૬૦૦ લોકો કૂતરા કરડવાનો શિકાર બને છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં બીજા નંબરનો સૌથી વધુ પ્રચલિત રોગ મેલેરિયાનો હતો, જેમાં ૨૦૨૨-૨૩માં મેલેરિયાના ૪૫,૫૩૨ કેસ નોંધાયા હતા.

અહેવાલ મુજબ રાજ્યની રાજધાની પટણામાં કૂતરા કરડવાની કુલ ૨૨,૫૯૯ ઘટના નોંધાઇ છે, જે વર્ષ ૨૦૨૨-૨૩માં બિહારમાં સૌથી વધુ છે. ત્યાર બાદ નાલંદા, ગોપાલગંજ, વૈશાલી, પશ્ચિમ ચંપારણનો ક્રમ છે. પટણામાં સૌથી વધુ સંખ્યામાં કૂતરા કરડવાના કેસના અહેવાલ પર પટના મ્યુનિસિપલ કમિશ્નર(પીએમસી) અનિમેષ કુમાર પરાશરે જણાવ્યું હતું કે અમે હકીકતથી વાકેફ છીએ અને ટૂંક સમયમાં આ જોખમને રોકવા માટે અમારી ઝુંબેશને વધુ તીવ્ર બનાવીશું.

હાલના નિયમો અનુસાર પીએમસી આ હેતુ માટે એનજીઓને પણ સામેલ કરશે. નાલંદા જિલ્લા મેજિસ્ટ્રેટ શેખર આનંદે કહ્યું હતું કે અમારી પાસે આ જોખમને રોકવા માટે સમર્પિત અને પ્રશિક્ષિત મ્યુનિસિપલ કર્મચારીઓની પોતાની ટીમ છે. અમે શહેરમાં રખડતા કૂતરાઓ સામેની ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે.

રાજ્યમાં રખડતા કૂતરા અંગે ચિંતા વ્યક્ત કરતાં તબીબી નિષ્ણાંત ડો. મનોજ કુમારે જણાવ્યું હતું કે સર્વેક્ષણ રિપોર્ટમાં સામાન્ય રીતે કૂતરા સહિત ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાયેલા હડકવાના કેસોની સંખ્યાનો ઉલ્લેખ હોવો જોઇએ. કૂતરા કરડવાની ઘટનાને રોગ કેવી રીતે કહી શકાય? હડકવા એ એક રોગ છે. તે એક ખતરનાક વાયરસ છે, જે મગજમાં બળતરાનું કારણ બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button