આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાશી બુગ્ગા મંદિરમાં થઈ નાસભાગ: 9 ભક્તોના કરુણ મોત, અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાશી બુગ્ગા મંદિરમાં થઈ નાસભાગ: 9 ભક્તોના કરુણ મોત, અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત

શ્રીકાકુલમ: વર્ષ 2025માં અનેક નાસભાગની અનેક દુર્ઘટનાઓ ઘટી છે. આ દુર્ઘટનામાં વધુ એક ઘટનાનો આજે ઉમેરો થયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી, જ્યારે કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા નવ ભક્તોના કરુણ મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોની ગંભીર સ્થિતિ જોતાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.

મંદિરના પ્રવેશદ્વાર પર અચાનક વધી ભીડ

કાર્તિક મહિનાની એકાદશીના શુભ પ્રસંગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાશી બુગ્ગા મંદિરે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે એકઠા થયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, મંદિર સંકુલના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડનું દબાણ વધ્યું હતું, જેના કારણે ભક્તોમાં ગભરાટ વધ્યો હતો અને નાસભાગ મચી ગઈ હતી.

ભીડના ધસારામાં ઘણા લોકો નીચે પડી ગયા હતા અને અન્ય ભક્તો તેમના પર દોડતા રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સવારથી જ મંદિરમાં તણાવ વધી ગયો હતો અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી.

નાસભાગની દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મંદિર પરિસરમાં વધારાના પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને ભીડને કાબૂમાં રાખવામાં ક્યાં નિષ્ફળતા મળી તે નક્કી કરવા પ્રયાસ ચાલી રહ્યો છે.

મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના પર મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી નારા લોકેશે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ જાનહાનિને અત્યંત દુ:ખદ ગણાવી અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નારા લોકેશે આ નાસભાગની ઘટનાને ‘એકાદશી પરની મોટી દુર્ઘટના’ ગણાવીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડી રહી છે.

આ પણ વાંચો…પ. બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશને નાસભાગ, 15 થી વધુ લોકો ઘાયલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button